૮૩ કરોડનો ખર્ચે તૈયાર થઈ રહેલા ધારાસભ્યોના ફ્લેટો દિવાળી સુધીમાં પૂર્ણ થઈ જશે

AI Image
ગાંધીનગરમાં ધારાસભ્યો માટે અત્યાધુનિક આવાસ નિર્માણની યોજના દિવાળી સુધીમાં પૂર્ણ કરી દેવાશે
૯ માળના કુલ ૧ર એપાર્ટમેન્ટસમાં ર૧૬ ફલેટસનો સમાવેશ -દરેક ફલેટમાં લિવિંગ રૂમ, ડ્રોઈંગ રૂમ, ચાર બેડરૂમ, કિચન, વર્કિગ ઓફિસ, ડાઈનિંગ એરિયા અને સર્વન્ટ રૂમ જેવી સુવિધાઓ છે,
ગાંધીનગર, ગાંધીનગરમાં સે.૧૭ ખાતે ધારાસભ્યો માટે અતિ આધુનિક અને સુવિધાયુક્ત આવાસના નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, જે દિવાળી સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ પ્રોજેકટનો મુખ્ય હેતુ ધારાસભ્યોને રહેવા માટે આરામદાયક અને કાર્યક્ષમ વાતાવરણ પુરું પાડવાનો છે.
આ નવનિર્મિત આવાસ ખાનગી લકઝરી પ્રોજેકટસને પણ ટકકર મારે તેવી સુવિધાઓથી સજ્જ હશે. આ કોલોનીના નિર્માણ દરમિયાન શહેરના માળખાકીય વિકાસનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. સેકટર-૧૭માં સ્થિત આ પ્રોજેકટ ભૂતકાળમાં જયાં જૂના સદસ્ય નિવાસ હતા તે જ ર૮,૦૦૦ ચોરસ મીટર જમીન પર વિકસાવવામાં આવી રહ્યો છે.
આ પ્રોજેકટની મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો આ પ્રોજેકટમાં ૯ માળના કુલ ૧ર એપાર્ટમેન્ટસમાં ર૧૬ ફલેટસનો સમાવેશ થાય છે. દરેક ફલેટમાં લિવિંગ રૂમ, ડ્રોઈંગ રૂમ, ચાર બેડરૂમ, કિચન, વર્કિગ ઓફિસ, ડાઈનિંગ એરિયા અને સર્વન્ટ રૂમ જેવી સુવિધાઓ છે, આ કેમ્પસમાં સંપૂર્ણ સુવિધાઓ હશે.
કેમ્પસમાં પ્રવેશ અને બહાર નીકળવા માટે અલગ ગેટ, પૂરતી પા‹કગની જગ્યા, સુંદર ગાર્ડન, અદ્યતન જીમ અને કેન્ટીન જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. ગુણવત્તા અને ડિઝાઈન ઃ આ પ્રોજેકટમાં ફલેટસના ઈન્ટિરિયર અને ફર્નિચર પાછળ રૂ. ૮૩ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, જે દરેક ફલેટની ગુણવત્તા અને સૌંદર્યની ખાતરી આપે છે.
ખાસ વાત એ છે કે, ધારાસભ્યોને કિચનવેર અને ટેબલવેર જેવી નાની-મોટી વસ્તુઓ પણ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે, જેથી તેમને કોઈ વધારાનો ખર્ચ કરવો ન પડે. આવાસના નિર્માણ દરમિયાન ધારાસભ્યોની એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ ડિઝાઈન અને સુવિધાઓ અંગે સૂચનો આપ્યા હતા, જેથી આ આવાસ તેમની જરૂરિયાતોને સંપૂર્ણપણે પૂરી કરી શકે.
સમિતિના સૂચનોને ધ્યાનમાં રાખીને ખાનગી ઈન્ટિરિયર ડિઝાઈનર કંપનીઓની સેવાઓ લેવામાં આવી હતી, જેથી આ પ્રોજેકટ ખરેખર એક આદર્શ નિવાસસ્થાન બની શકે. આ પ્રોજેકટ ભલે થોડો મોડો થયો હોય, પણ આ વિલંબનું કારણ ઉચ્ચ ગુણવત્તા અને સંપૂર્ણ સુવિધાઓ સુનિશ્ચિત કરવાનું હતું. આ નવા આવાસથી ધારાસભ્યોને શ્રેષ્ઠ રહેઠાણ મળશે.