Western Times News

Gujarati News

ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડાના દરવાજા બંધ! ૮૦ ટકા વિઝા રિજેક્ટ કરાયા

નવી દિલ્હી, અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા ભારતીય વિદ્યાર્થીઓ અને એચ-૧બી વિઝા ધારકો પર તાજેતરમાં લેવાયેલા કડક પગલાં બાદ તેના પડોશી દેશ કેનેડાએ પણ ભારતને મોટો ઝટકો આપ્યો છે.

ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા અનુસાર કેનેડાએ ૨૦૨૫માં ૮૦% ભારતીય વિદ્યાર્થી વિઝા અરજીઓ નકારી છે, જે એક દાયકામાં સૌથી વધુ છે. એશિયા અને આફ્રિકાના અન્ય દેશોના અરજદારોની વિઝા અરજીઓ પણ રદ કરવામાં આવી છે, પરંતુ ભારતીય વિદ્યાર્થીઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે.

કેનેડા ભારત સહિત વિશ્વભરના દેશોના વિદ્યાર્થીઓ માટે પોતાના દરવાજા બંધ કરી રહ્યું છે, કારણ કે ત્યાં રહેણાંક સુવિધાઓનો ભારે અભાવ છે. આ ઉપરાંત, માળખાગત સુવિધાઓ પર દબાણ છે.

સ્થાનિક રાજકારણને કારણે કેનેડાને પણ આવી કાર્યવાહી કરવાની ફરજ પડી છે. કેનેડાએ હવે વિદ્યાર્થીઓને વિઝા આપવા માટેના તેના નિયમોમાં ફેરફાર કર્યાે છે અને કહ્યું છે કે વિઝા માટે અરજી કરતા વિદ્યાર્થીઓએ પહેલા કરતાં વધુ નાણાકીય જવાબદારીઓ પૂર્ણ કરવી પડશે.

એટલે કે, હવે તેમણે ૨૦,૦૦૦ કેનેડિયન ડોલરના કાગળો બતાવવા પડશે. આ ઉપરાંત વિગતવાર અભ્યાસ યોજના અને ભાષા પરીક્ષણ પરિણામો સબમિટ કરવા પડશે. કેનેડાના આ નિર્ણયની ત્યાંની કોલેજોમાં એડમિશન પર પણ અસર પડી છે.

કેનેડા સરકારના ડેટા અનુસાર ૨૦૨૪માં કેનેડાએ ફક્ત ૧.૮૮ લાખ નવા ભારતીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો, જ્યારે બે વર્ષ પહેલા સુધી આ સંખ્યા બમણાથી વધુ હતી.

કેનેડા અને અમેરિકાના ખરાબ વર્તન અને ભારતીય વિદ્યાર્થીઓ પ્રત્યેના તેમના ઉદાસીન વલણને કારણે ભારતીય વિદ્યાર્થીઓનો ટ્રેન્ડ હવે જર્મની તરફ વળ્યો છે. જર્મની ટોચના પસંદગીના દેશ તરીકે ઉભરી આવ્યું છે.

આ કારણે કેનેડા હવે ફક્ત ૯ ટકા વિદ્યાર્થીઓની પહેલી પસંદગી છે. બીજી તરફ ભારતીય વિદ્યાર્થીઓ તરફથી યુએસ યુનિવર્સિટીઓમાં અરજીઓમાં પણ વાર્ષિક ધોરણે ૧૩ ટકાનો ઘટાડો થયો છે. જોકે, ૨૦૨૪-૨૫માં જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓના પ્રવેશમાં ૩૨.૬ ટકાનો વધારો જોવા મળ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.