બાયડમાં કાર-બાઇક વચ્ચે ટક્કરઃ પતિ-પત્ની-પુત્રનાં મોત
        ભિલોડા, બાયડ-અમદાવાદ રોડ પર આંબલિયારા ગામ નજીક કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બાઈક પર સવાર એક પરિવારના ત્રણ સભ્યોના કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા. બાઈક પર પતિ-પત્ની અને તેમનું બાળક જઈ રહ્યાં હતાં ત્યારે કાર બાઈક સાથે ટકરાઈ હતી.
જેથી બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમની પત્ની અને બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.ઝાલોદ તાલુકાના ગાવડિયા ગામના યોગેશભાઈ લુજાભાઈ વસૈયા (ઉં.વ.૩૧) પોતાની પત્ની નિરુબેન યોગેશભાઈ (ઉ.વ. ૨૩) અને પુત્ર આરવકુમાર (ઉ.વ. ૭) બાઇક પર જઈ રહ્યા હતા. તેઓ બાયડ અમદાવાદ હાઇવે પર આંબલિયારા ગામ નજીક પહોંચ્યા ત્યારે સામેથી આવતી કાર ઓવરટેક કરવા જતાં બાઇક સાથે ટકરાઈ હતી.
ટક્કર એટલી ગંભીર હતી કે, બાઈક રોડ પર સળગવા લાગી અને કાર રોડની બાજુમાં ખેતરમાં જતી રહી હતી. આ અકસ્માતમાં બાઇકચાલક યોગેશભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે માતા અને બાળક ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે જીતપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમિયાન બંનેનાં પણ મોત નીપજ્યાં હતાં. અકસ્માત બાદ ચાલક કાર ત્યાંજ મૂકીને ફરાર થઈ ગયો હતો.SS1MS
