Western Times News

Gujarati News

શુદ્ધ હવા ધરાવતા ૧૩૫ શહેરોમાં અમદાવાદ, વડોદરા, સુરતનો સમાવેશ

ગાંધીનગર, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ મંત્રી મુળુભાઇ બેરા, રાજ્ય મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ-જીપીસીબી દ્વારા ‘રેસિંગ ફોર એર,એવરી બ્રિથ મેટર્સ’ની થીમ સાથે ગાંધીનગર ખાતે ‘આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ-બ્લૂ સ્કાય ડે’ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે વધુ બે નવી વાયુ પ્રદૂષણ માપક ‘પર્યાવરણ મોનિટરીંગ મોબાઈલ વાન’ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવાયું હતું. દરમ્યાનમાં, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ એમ.થેન્નારસને કહ્યું હતું કે, ભારતના શુદ્ધ હવા ધરાવતા કુલ ૧૩૫ શહેરો પૈકી ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરતનો સમાવેશ થયો છે.

આગામી સમયમાં ગુજરાતના વધુ ૬ શહેરોનો પણ આ યાદીમાં સમાવેશ થાય તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં દેશમાં ૬૫થી ૭૦ લોકો શહેરોમાં વસતા થશે ત્યારે તેમના માટે વાયુ પ્રદૂષણ મુક્ત લીવેબલ સિટીનું નિર્માણ કરવું પડશે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હવાની ગુણવત્તાના સતત મોનીટરીંગ માટે વધુ ત્રણ નવા સીએએક્યુએમએસ સુરત, મહેસાણા અને રાજકોટ ખાતે સ્થાપિત થવા જઈ રહ્યા છે.

જેમાં વિવિધ વાયુ પ્રદૂષકોની માપણી કરવામાં આવશે. આનાથી હવા પ્રદૂષણ મોનિટરિંગ કામગીરી વધુ પારદર્શક અને અસરકારક બનશે, ડેટા કવરેજ વધશે, શહેરોમાં પ્રદૂષણના “હોટસ્પોટ” ઓળખી શકાશે અને શહેરી તંત્ર અને નાગરિકોને “રિયલ-ટાઈમ” માહિતી મળવાની સુવિધા ઉપલબ્ધ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષમાં માત્ર ૩૭ દિવસમાં ૪૦ હેક્ટર જમીનમાં વન કવચ તૈયાર કરાયું છે. જેમાં ૮.૭૦ લાખ વૃક્ષો વાવવમાં આવ્યાં છે.

આ વન કવચનું આગામી સમયમાં મુખ્યમંત્રી દ્વારા ઉદઘાટન પણ કરાશે.રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમના પ્રોગ્રામ હેઠળ ગુજરાતના ચાર શહેરો અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા શહેર આવરી લેવામાં આવ્યા છે.

આ શહેરોમાં હવા પ્રદૂષણની માત્રામાં ૩૦ થી ૪૦ ટકા ઘટાડો કરવાનો લક્ષ્યાંક છે. નવા ઉમેરાયેલા છ શહેરો ભાવનગર, ભરૂચ, જામનગર, ગાંધીનગર, જુનાગઢ, અંકલેશ્વર માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૦૦ કરોડનું બજેટ હવાની ગુણવત્તા સુધારવા મંજૂર કરવામાં આવ્યું છે. આ વર્ષે વન વિભાગે અંદાજે ૪૦૦ હેક્ટર વિસ્તારમાં વન કવચ તૈયાર કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યાે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.