Western Times News

Gujarati News

આંગણવાડી કાર્યકરની કાળજીથી 1.600 કિ.ગ્રા.ની બાળકીનું વજન સુધરીને થયું 6.10 કિ.ગ્રા.

સિંગરવામાં આંગણવાડી કેન્દ્રના પ્રયાસોથી તીવ્ર કુપોષણમાંથી બહાર આવી સ્વસ્થ બની બાળકી નવ્યા

અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના સિટીગ્રામ્ય ઘટકના સિંગરવા 2 સેજાના પરઢોલ 2 આંગણવાડી કેન્દ્રનાં આંગણવાડી કાર્યકર સુશ્રી કાજલબહેન મહેશભાઈ દ્વારા 12 નવેમ્બર, 2024ના રોજ જન્મેલી બાળકી નવ્યાની કાળજી લેવામાં આવી હતી.

બાળકીનો જન્મ અધૂરા મહિને થયો હતો, જેથી જન્મ સમયે તેનું વજન માત્ર 1.600 કિલો અને લંબાઈ 49 સેમી. હતી, અને તેને ગ્રેડ-SAM (તીવ્ર કુપોષણ) તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી.

કાજલબહેને બાળકી અને તેની માતાની સતત મુલાકાત લીધી અને માતાને કાંગારુ મધર કેર (KMC), સ્તનપાનની સાચી પદ્ધતિ, સ્વચ્છતા અને માતૃશક્તિ (THR)ના મહત્ત્વ વિશે વિગતવાર સમજ આપી. મુખ્ય સેવિકાએ પણ બાળકી અને માતાની મુલાકાત લઈને માર્ગદર્શન આપ્યું. બાળકીના જન્મ સમયે તેનામાં કુપોષણનું જોખમ વધુ હતું, પરંતુ કાર્યકરની સતત દેખરેખ અને માર્ગદર્શનથી સ્થિતિમાં સુધારો થયો.

સુશ્રી કાજલબહેનના આ પ્રયાસોનું પરિણામ એ આવ્યું કે, નવ્યાના વજન અને લંબાઈમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. હાલમાં, તેનું વજન વધીને 6.10 કિલો અને લંબાઈ 61 સેમી. થઈ છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે, તેનું પોષણસ્તર ગ્રેડ-NORMAL પર પહોંચી ગયું છે, જે કુપોષણ સામેની લડાઈમાં એક મોટી જીત દર્શાવે છે. આ કિસ્સો દર્શાવે છે કે, સમયસર માર્ગદર્શન અને યોગ્ય કાળજીથી બાળકના સ્વાસ્થ્યમાં કેટલો મોટો સુધારો લાવી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.