હિંસાથી પીડિત યુવતીને સખી વન સ્ટોપ સેન્ટરથી જીવનમાં નવી દિશા મળી

સખી વન સ્ટોપ સેન્ટરના માર્ગદર્શનથી હિંસાથી પીડિત યુવતીનું પરિવાર સાથે થયું સફળ પુનઃસ્થાપન
અમદાવાદ, ભારત સરકાર દ્વારા પુરસ્કૃત તથા રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળનું સખી વન સ્ટોપ સેન્ટર, અમદાવાદ (સોલા) કાર્યરત છે, જે 181 અભયમ મહિલા હેલ્પલાઈન સાથે સંકળાયેલું છે.
રીના નામની યુવતી (નામ બદલ્યું છે.), ઉંમર 17 વર્ષ, અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં રહે છે. તેના પિતા પેઇન્ટિંગનું કામ કરે છે અને માતા છૂટક મજૂરી કરે છે. તેના પરિવારમાં કુલ ચાર ભાઈ-બહેન છે.
181 હેલ્પલાઇનની મદદથી સોલા સખી વન સ્ટોપ સેન્ટરમાં આવેલી આ યુવતી રીનાનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું કે, તેને માતા-પિતા દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તે ચાર વર્ષથી એક વ્યક્તિ સાથે સંપર્કમાં હતી અને તે વ્યક્તિએ તેને લગ્નનો વિશ્વાસ આપ્યો હોવાથી રીના ઘરે કોઈને જાણ કર્યા વગર આ વ્યક્તિના ઘરે જતી રહી હતી.
આ અંગે રીનાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રીનાને પરિવારજનોને સોંપી, પરંતુ બીજા જ દિવસે રીના પર માતા દ્વારા મારઝૂડ કરવામાં આવી, જેના કારણે રીના સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય લેવા આવી પહોંચી હતી.
સખી સેન્ટર દ્વારા પરિવારનો સંપર્ક કરી બંને પક્ષને કાઉન્સેલિંગ માટે બોલાવવામાં આવ્યા. શરૂઆતમાં રીના અને તેના પરિવાર બંનેએ સાથે જવાનું નકારી કાઢ્યું. પરંતુ સતત સમજાવટ અને માર્ગદર્શન પછી રીનાને પોતાની ભૂલ સમજાઈ અને તેણે આગળ અભ્યાસ ચાલુ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી. પરિવારજનો પણ પુનઃસ્થાપન માટે રાજી થયા.
આમ, સખી વન સ્ટોપ સેન્ટર, અમદાવાદ (સોલા)ના કર્મચારીઓના માર્ગદર્શન અને પ્રયત્નોથી યુવતી રીનાનું તેના પરિવાર સાથે સફળ પુનઃસ્થાપન શક્ય બન્યું. આ કિસ્સો દર્શાવે છે કે, યોગ્ય કાઉન્સેલિંગ અને સંકલન દ્વારા હિંસાથી પીડિત મહિલાઓને ફરીથી સમાજ અને પરિવાર સાથે જોડીને તેમની જીવનયાત્રાને યોગ્ય દિશા આપી શકાય છે. સખી વન સ્ટોપ સેન્ટર મહિલાઓને માર્ગદર્શન આપી તેમના જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં મદદરૂપ કડી બને છે.