ખરાબ રસ્તાની વાત કરી તો ટોલ કર્મીઓ ધોકા લાકડી લઈ તૂટી પડ્યા

પ્રતિકાત્મક
પાટણ, માલા રોડ પરના ટોલ બૂથ પર ટોલના કર્મચારીઓને માર્ગની ખરાબ હાલતને લઈ ટકોર કરનાર થરાદના એક પરિવાર પર ટોલ પ્લાઝાના કર્મચારીઓ દ્વારા જીવલેણ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
પરિવારે રસ્તા ખરાબ હોવા છતાં ટોલ વસૂલવાનો વાંધો ઉઠાવતા ટોલકર્મીઓ ધોકા-લાકડીઓ લઈને પરિવાર પર તૂટી પડ્યા હતા, જેમાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને આ બાબતે પોલીસે ટોલ પ્લાઝાના ચાર કર્મચારીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે સાંતલપુર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર થરાદના દિલીપ સાધુ તેમના પરિવાર સાથે અંજાર જઈ રહ્યા હતા જયાં બકુત્રા ગામ નજીકના ટોલ બુથ પર બેરિયર બંધ હતો. રસ્તાની ખરાબ સ્થિતિ છતાં ટોલ વસૂલવામાં આવતો હોવાથી પરિવારે વાંધો ઉઠાવ્યો હતો. ટોલના કર્મચારીઓએ ‘સિસ્ટમ બગડી ગઈ છે’ કહી દાદાગીરી કરી હતી.
આ દરમિયાન દિલીપભાઈના ભાઈ સાગરે વીડિયો રેકો‹ડગ શરૂ કર્યું તો ૮ થી ૧૦ કર્મચારીઓએ અપશબ્દો બોલીને મારામારી શરૂ કરી ટોલના કર્મચારીઓએ મહિલાઓ સાથે પણ ગેરવર્તન કર્યું હતું.
આ હુમલામાં દિલીપભાઈના પિતા દામોદરદાસને માથામાં ગંભીર ઈજા થઈ હતી તેમને માથામાં ૧૦ ટાંકા આવ્યા છે બાકીના ઈજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ છે જેમાં દિલીપભાઈના ભાઈ સાગરને પણ ખભા પર લાકડીથી મારવામાં આવ્યો હતો.
ઈજાગ્રસ્તોને પ્રથમ સાંતલપુર સરકારી દવાખાને અને ત્યારબાદ પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સાંતલપુર પોલીસે તપાસ હાથ ધરી આ અંગે ભોગ બનનાર દિલીપભાઈએ સાંતલપુર પોલીસ મથકે હરેશ આહીર, લાલા આહીર, કમા આહીર અને વજા આહીર સહિત પાંચ-છ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.