Western Times News

Gujarati News

NH48 પર બગવાડા ટોલ પ્લાઝા પાસે ખરાબ રસ્તાઓથી પરેશાન સ્થાનિકોએ હાઈવે જામ કર્યો

(પ્રતિનિધિ) વાપી, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર બગવાડા ટોલ પ્લાઝા નજીક આવેલા શુભમ ગ્રીન સિટીના રહીશોએ હાઈવેની ઓથોરિટીની બેદરકારી અને ખરાબ રસ્તાઓના કારણે થતી હાલાકીઓ સામે ગઈકાલે વિરોધ પ્રદર્શન કર્યું.

રહીશોએ ખરાબ રસ્તાઓ અને ધૂળની ડમરીઓને કારણે થતી બીમારીઓ અને પરેશાનીઓનો ભોગ બનવું પડતું હોવાથી રોષે ભરાઈને હાઈવે ચક્કાજામ કર્યો હતો.છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકો દ્વારા રસ્તાઓની મરામત માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા આખરે લોકોએ કંટાળીને આ પગલું ભર્યું.

સવારે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને રસ્તા પર ઉતરી આવ્યા અને ટ્રાફિકને અટકાવી દીધો. આ વિરોધ પ્રદર્શનના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્‌યો હતો.

વિરોધ કરી રહેલા સ્થાનિક સોસાયટીના રહીશોએ જણાવ્યું કે, “અમે ઘણા સમયથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. ખરાબ રસ્તાઓને કારણે વાહનોને નુકસાન થાય છે અને ધૂળની ડમરીઓને કારણે શ્વસનતંત્રને લગતી અનેક બીમારીઓ ફેલાઈ રહી છે. ઓથોરિટી માત્ર કાગળ પર જ કામ કરી રહી છે અને જમીની સ્તરે કોઈ કામગીરી થતી નથી.

અમે લોકોએ એક થઈને અમારી તાકાત બતાવી છે. જ્યાં સુધી અમારી માગણીઓ સંતોષવામાં નહીં આવે, ત્યાં સુધી આ “ આંદોલન ચાલુ રહેશે.”આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે જનતાની શક્તિ સૌથી મોટી છે. જો દરેક જાગૃત નાગરિકો એક થઈને પોતાના હકો માટે અવાજ ઉઠાવે, તો જ લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે, અન્યથા માત્ર કાગળ પર જ બધા પ્રશ્નો હલ થયાનો દાવો કરવામાં આવે છે અને જનતાને મૂર્ખ બનાવવામાં આવે છે. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને થાળે પાડવા માટે વાટાઘાટો શરૂ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.