Western Times News

Gujarati News

હત્યાનો આરોપી વડોદરા કોર્ટમાંથી ભાગ્યો પણ બે દિવસમાં જ સુરતથી ઝડપાઈ ગયો

AI Image

વડોદરા કોર્ટ પરિસરમાંથી ભાગી છૂટેલો હત્યા કેસનો આરોપી સુરતથી ઝડપાયો-જાપ્તામાં બેદરકારી દાખવનારા બે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયાં

વડોદરા, ચકચારી દીપેન પટેલ હત્યા કેસમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા આરોપી હાર્દીક પ્રજાપતિને પોલીસ જાપ્તા સાથે કોર્ટમાં રજૂ કરાયો હતો. દરમિયાન કાર્યવાહી પૂર્ણ થયા બાદ પોલીસ કર્મચારીઓ તેને કેન્ટીનમાં લઈ ગયા હતા.

ત્યાં પોલીસ કર્મચારી દુકાનદારને રૂપિયા ચૂકવતા હતા તે દરમિયાન આરોપી નજર ચૂકવીને કેન્ટીનમાંથી ભાગીને સુરત પહોંચી ગયો હતો. જો કે, ક્રાઈમ બ્રાન્ચે સુરતમાંથી હોટલ મેરીઓટ પાસેથી હત્યાના આરોપીને દબોચી લીધો છે તો બીજી તરફ જાપ્તામાં બેદરકારી દાખવનારા બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વડોદરા શહેર નજીક આવેલા દરજીપુરા ગામમાં ભાડાના મકાનમાં રહેતા હાર્દીક પ્રજાપતિએ પ્રેમમાં નડતરરૂપ બનનાર દીપેન પટેલને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ક્રાઈમ બ્રાન્ચે જે તે વખતે પણ હત્યારા હાર્દિક પ્રજાપતિને ઝડપી પાડયો હતો ત્યારબાદ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં સોંપવામાં આવ્યો હતો.

દરમિયાન ૧૦ સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં સુનાવણી હોય હત્યાના આરોપી હાર્દિક પ્રજાપતિને પોલીસ જાપ્તા સાથે કોર્ટ પરિસરમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે આ કેસની મુદ્દત પડી હોય કોર્ટ કાર્યવાહી બાદ પોલીસ કર્મચારીઓ આરોપીને લઈને કેન્ટીનમાં ગયા હતા.

ત્યાં પોલીસ કર્મચારી રૂપિયા ચૂકવતા હતા ત્યારે તેમની નજર ચૂકવીને આરોપી કેન્ટીનમાંથી ભાગ્યો હતો. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી ભાગીને માતા તથા બહેનને મળવા સુરત પહોંચી ગયો છે અને રેલવે સ્ટેશન પર હાજર હોવાની બાતમી મળી હતી

જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક સુરત ખાતે પહોંચી ગઈ હતી અને હત્યાના આરોપી હાર્દિક પ્રજાપતિને હોટલ મેરિઓટ પાસેથી દબોચી લીધો હતો. હાર્દિક પ્રજાપતિ જેલવાસ ભોગવતો હતો તે દરમિયાન મે ર૦રપમાં તેના ભાભી તથા ભત્રીજાએ રેલ્વેમાં આપઘાત કરી લેતા તેઓનું મરણ થયું હતું

જેથી તેણે અદાલતમાં વચગાળાના જામીન પણ મૂકયા હતા જે નામંજૂર થયા હતા જામીન પર છૂટવા માટે મોટી રકમની વ્યવસ્થા પણ કરતો હતો એટલે પોલીસ મુદ્દતમાં કોર્ટમાં લઈ જાય ત્યારે જ નાસી છૂટવાનો પ્લાન બનાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.