“બાઈકની સર્વિસ બરાબર કેમ કરી નથી” કહી બબાલ કરી ગેરેજ માલિકની હત્યા કરી

AI Image
મોડાસામાં નજીવી બાબતે બોથડ પદાર્થના ઘા ઝીંકીને યુવકને મોતને ઘાટ ઉતાર્યો -ગ્રાહક અને ગેરેજ માલિક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી
મોડાસા, મોડાસામાં બાઈકની સર્વિસ બરાબર ન કરી હોવાથી ગ્રાહક અને ગેરેજ માલિક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને ગ્રાહકે બોથડ પદાર્થનો ઘા મારીને ગેરેજ માલિકની હત્યા કરી હતી સમગ્ર મામલે મોડાસા ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે.
અરવલ્લીના મોડાસામાં ઓટોગેરેજ ચલાવતા એક યુવકની હત્યાનો સનસનીખેજ બનાવ સામે આવ્યો છે. બાઈકની સર્વિસ બરાબર ન કરી હોવાના મામલે આ યુવકની હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જાહેરમાં આ પ્રકારે હત્યાનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મૃતક યુવક મોડાસામાં ઓટોગેરેજ ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હતો એક ગ્રાહક તેની બાઈકની સર્વિસ કરાવવા માટે આવ્યો હતો પરંતુ સર્વિસ બરાબર ન થતાં ગ્રાહક અને ગેરેજ માલિક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ઉશ્કેરાયેલા ગ્રાહકે યુવક પર બોથડ પદાર્થ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર ઈજા થતાં યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.
આ ઘટનાની જાણ થતાં મોડાસા ટાઉન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ ઘટના મામલે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે શોધખોળ હાથ ધરી છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભય અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ આરોપીને વહેલી તકે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે.