Western Times News

Gujarati News

‘ટેરિફ લાદવાને કારણે ભારત સાથે સંબંધોમાં તિરાડ પડી’: ટ્રમ્પ

નવી દિલ્હી, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર કર્યાે કે, ‘મારા દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી ભારત સાથે અમેરિકાના સંબંધોમાં તણાવ પેદા થયો છે.’ ટ્રમ્પે કહ્યું હતું કે રશિયન ઓઇલ ખરીદવા બદલ ભારત સામે ટેરિફ લાદવાથી અમારા સંબંધોમાં તિરાડ પડી છે. અમેરિકના પ્રમુખે એ પણ સ્વીકાર્યું હતું કે ભારત સામે ૫૦ ટકા ટેરિફ લાદવાનો નિર્ણય સરળ નહોતો.

આ સાથે, ટ્રમ્પે ફરી એકવાર ભારત-પાકિસ્તાન યુદ્ધ રોકવાના પોતાના દાવાને પુનરાવર્તિત કર્યાે છે. એક ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે ભારત સામે ટેરિફ અને સંબંધોમાં તણાવ વિશે વાત કરી હતી. આ વિશે વધુ વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, ભારત રશિયન ઓઇલનો મોટો ગ્રાહક છે. મેં ભારત પર ૫૦ ટકા ટેરિફ એટલા માટે લાદ્યો છે કેમ કે તે રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે.

ભારત સામે ટેરિફનો નિર્ણય લેવો સરળ નહોતું. આ એક મોટી વાત છે કેમ કે તેના લીધે અમેરિકા-ભારતના સંબંધોમાં તિરાડ ઊભી થઈ છે. ટ્રમ્પનું નિવેદન મહત્ત્વનું છે કારણ કે, ભારતીય માલ પર ૫૦ ટકા ટેરિફ લાદ્યા બાદથી અમેરિકા-ભારતના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે. ટ્રમ્પ અને તેમના વહીવટીતંત્રે વારંવાર ભારત વિરુદ્ધ આક્રમક નિવેદનો આપ્યા છે.

ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે. યુક્રેન યુદ્ધ રોકવા અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન પર કડક કાર્યવાહી કરવાના પ્રશ્ન પર ટ્રમ્પે કહ્યું, ‘મેં આ પહેલાથી જ કર્યું છે. મેં ઘણું કર્યું છે. યાદ રાખો કે આ આપણા કરતાં યુરોપની સમસ્યા વધુ છે. અમેરિકાએ આ મુદ્દાને ઉકેલવા માટે પ્રામાણિકપણે કામ કર્યું છે.’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.