Western Times News

Gujarati News

પંચમહાલની જીએફએલની ગેસ લીકેજની ઘટનામાં બે કર્મચારીઓના મોત

ગોધરા, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કંપની (જીએફએલ)માં બુધવારે બપોરના સમયે અચાનક ગેસ લીકેજની ઘટના બનતા નાસભાગ મચી ગઈ હતી.

આ ઘટનામાં અસરગ્રસ્ત ૧૨ કર્મચારીઓને વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં વેન્ટીલેટર પર રહેલા એક કર્મચારીનું ગુરુવારે રાત્રે સારવાર દરમિયાન મોત નિપજયું હતું. બનાવ સંદર્ભે રાજગઢ પોલીસ અને વિવિધ સરકારી એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને ગેસ લીકેજનું ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી.

ઘટનાના ત્રીજા દિવસે પણ પ્લાન્ટ બંધ રહ્યો હોવાનું જાણવા મળે છે.રણજીતનગર ખાતે આવેલી જીએફએલ કંપનીમાં બુધવારે બપોરના સમયે અચાનક ગેસ લીકેજની ઘટના બનતા અફડા તફડી મચી ગઈ હતી, જેમાં નજીકમાં આવેલા મંદિરમાં પૂજા કરતા પૂજારી હરેશભાઇ વ્યાસનું મોત નિપજયું હતું.

જયારે અસરગ્રસ્ત ૧૨ કર્મચારીઓને પ્રથમ હાલોલ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજગઢ પોલીસ મથકના પો.એસ.આઇ રાઠોડ દ્વારા અકસ્માત મોતના કાગળો કરી બનાવ સંદર્ભે તપાસ હાથ ધરાઇ અને કંપનીના અન્ય કર્મચારીઓ અને અસરગ્રસ્ત કર્મચારીઓના નિવેદનો લઈ તપાસ શરૂ કરવામાં આવી હતી.

બીજી તરફ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા પ્લાન્ટની મુલાકાત લઇ તપાસ શરૂ કરી. જો કે લીકેજનું ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હોવાથી હાલમાં પ્લાન્ટને બંધ કરવામાં આવ્યો છે.

વડોદરા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા ગોરવા સાંઇનાથ નગરમાં રહેતા સંજયકુમાર પ્રતાપસિંહ મહિડા (૪૭)નું સારવાર દરમિયાન મોત થતાં રાજગઢ પોલીસ દ્વારા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આમ આ ઘટનામાં એક કર્મચારી સહિત બેના મોત નિપજ્યા છે. જયારે ૧૦ કર્મચારીઓ હજી સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે, જેમાં પાંચ વેન્ટીલેટર પર છે. સંજય મહિડા છેલ્લા પંદર વર્ષથી કંપનીમાં નોકરી કરતા હોવાનું જાણવા મળે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.