Western Times News

Gujarati News

દેશમાં ઓછો મૃત્યુદર ધરાવતા રાજ્યોની સરખામણીમાં ગુજરાત પાચમાં ક્રમે

ગાંધીનગર, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ૩.૧ અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધીમાં માતા મૃત્યુદર ૭૦થી ઘટાડવાનું લક્ષ્યાંક હતું પરંતુ રાજ્ય સરકારનાં અસરકારક પગલાંને પરિણામે ગુજરાતમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં જ પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો છે. જે વર્ષ ૨૦૨૧માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૩, વર્ષ ૨૦૨૦માં ૫૭ અને વર્ષ ૨૦૧૬માં ૯૧ હતો.

સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ-૨૦૨૧-૨૦૨૩ મુજબ દેશનો માતા મૃત્યુદર સરેરાશ ૮૮ નોંધાયો છે. જેમાં દેશના સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા તમામ મોટા રાજ્યોની સરખામણીમાં ગુજરાત પાંચમાં ક્રમે છે.

એનો અર્થ એ મનાય છે કે, રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સગર્ભા માતાઓને ગુણવત્તાસભર સેવાઓ પૂરી પાડવાના સતત પ્રયત્નોના પરિણામે રાજ્યમાં માતા મૃત્યુદરમાં પ્રતિ વર્ષ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

સગર્ભાવસ્થાની વહેલી નોંધણી ૪થી વધુ પૂર્વ પ્રસૂતિ તપાસ, અતિ જોખમી લક્ષણો ધરાવતી માતાઓની વિશેષ કાળજી, સંસ્થાકીય પ્રસૂતિ, પ્રસૂતિ બાદની તપાસ અને માતા મૃત્યુનાં કારણોની વિસ્તૃત સમીક્ષા પર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

૨૦૨૪-૨૫માં ખિલખિલાટ યોજના થકી ૧૯.૨ લાખ માતાઓ અને ૧૨,૫૫ લાખ નવજાત શિશુઓને લાભ આપવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૪-૨૫થી અતિ જોખમી ચિહ્નો ધરાવતી સગર્ભા માતાઓ માટેની યોજનામાં કુલ ૧૯ પ્રકારના માપદંડો ધરાવતી સગર્ભા માતાઓને રૂ. ૧૫,૦૦૦ની સહાય ચુકવવામાં આવે છે.

નમોશ્રી યોજનામાં કુલ ૧૧ પ્રકારના માપદંડો ધરાવતી સગર્ભા માતાઓને રૂ. ૧૨,૦૦૦ની સહાય ચૂકવવામાં આવે છે.રાજ્યમા પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃતવ અભિયાન જૂન-૨૦૧૬થી શરૂ કરવામાં આવ્યું છે.

આ અભિયાનનો હેતુ જાહેર આરોગ્યની સંસ્થા દ્વારા સગર્ભાની, ખાસ કરીને જોખમી સગર્ભાઓની બીજી અને ત્રીજી તપાસના સમયગાળામાં નિષ્ણાંત દ્વારા પૂર્વ પ્રસૂતિ તપાસ કરાવી જરૂરી સેવાઓ પૂરી પાડવાનો છે.

જેમાં દર માસની ૯મી અને ૨૪મી તારીખે જાહેર આરોગ્ય સંસ્થાઓ પર પીએમએસએમએ અભિયાન અંતર્ગત ૫૦૨ ખાનગી ગાયનેકોલોજીસ્ટ દ્રારા સેવા પુરી પાડવામાં આવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.