Western Times News

Gujarati News

અભિનેત્રી દિશા પટણીના બરેલી સ્થિત ઘરે થયો ગોળીબાર

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીના ઘરે ફાયરિંગની ઘટના સામે આવી છે. જોકે, આ ઘટના મુંબઈમાં નહીં, પરંતુ ઉત્તર પ્રદેશમાં બની છે. દિશા પટણીના બરેલી સ્થિત નિવાસસ્થાને ગઈકાલે રાત્રે અજાણ્યા બદમાશોએ ગોળીબાર કર્યાે હતો.

આ ઘટના વહેલી સવારે લગભગ ૩ઃ૩૦ વાગ્યે બની હતી.અજાણ્યા હુમલાખોરોએ ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, આ ફાયરિંગને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ છે.

જેમાં ગેંગસ્ટર રોહિત ગોદારાએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે, “જય શ્રી રામ બધા ભાઈઓને રામ રામ. હું, વીરેન્દ્ર ચરણ, મહેન્દ્ર સરન (ડેલાણા). ભાઈઓ, આજે ખુશ્બુ પટણી/દિશા પટણી (બોલીવુડ અભિનેત્રી) ના ઘર (વિલા નંબર ૪૦, સિવિલ લાઇન્સ, બરેલી, ઉત્તર પ્રદેશ) પર જે ગોળીબાર થયો તે અમારા દ્વારા કરવામાં આવ્યો હતો.

તેણે અમારા પૂજ્ય સંતો (પ્રેમાનંદ જી મહારાજ અને અનિરુદ્ધાચાર્ય જી મહારાજ)નું અપમાન કર્યું છે. તેણે અમારા સનાતન ધર્મને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યાે છે. અમારા દેવી-દેવતાઓનું અપમાન સહન કરવામાં આવશે નહીં. આ ફક્ત એક ટ્રેલર હતું. હવે પછી જો તેઓ અથવા અન્ય કોઈ આપણા ધર્મનો અનાદર કરશે, તો તેમના ઘરમાં કોઈ બચી શકશે નહીં.”

પોસ્ટમાં આગળ જણાવવામાં આવ્યું કે, “આ મેસેજ માત્ર આમની માટે જ નહીં, પરંતુ જેટલા પણ ફિલ્મી કલાકારો અને તેમની સાથે જોડાયેલા કલાકારો છો, તેમના માટે પણ છે. અમે અમારા ધર્મીની રક્ષા માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છીએ. અમે ક્યારેય પીછેહઠ કરશું નહીં. અમારા માટે હંમેશા ધર્મ અને સર્વ સમાજ એક છે. તેની રક્ષા કરવી અમારું પહેલું કર્તવ્ય છે.”

જોકે, આ પોસ્ટની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને પોલીસ તેની પણ તપાસ કરી રહી છે. આ ઘટના બાદ બરેલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને દિશા પટણીના ઘરની સુરક્ષા વધારી દીધી છે. આ ઘટના અંગે વધુ માહિતી મેળવવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે. આરોપીઓને પકડવા માટે પોલીસે પાંચ અલગ-અલગ ટીમોની રચના કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.