મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો સંભાળવા મુંબઈ ટ્રેનમાં પ્રવાસ કર્યો આચાર્ય દેવવ્રતજીએ

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી –અમદાવાદથી મુંબઈ સુધી રેલવે દ્વારા પ્રવાસ ટ્રેનમાં યાત્રીઓ સાથે રાજ્યપાલશ્રીનો સહજ સંવાદ
ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ સી. પી. રાધાકૃષ્ણન દ્વારા મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે રાજીનામું આપતાં ગુજરાતના રાજ્યપાલને વધારાનો હવાલો સોંપાયો
Ahmedabad, મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો સંભાળવાની જવાબદારી સ્વીકારવા માટે ગુજરાતના માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મુંબઈ સુધી જવા માટે રેલવે દ્વારા મુસાફરી કરી. આ મુસાફરીમાં લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી પણ જોડાયા હતા. રાજ્યપાલશ્રીએ હવાઈ મુસાફરીને બદલે ટ્રેન દ્વારા અમદાવાદથી મુંબઈ જવાની અનુમતિ આપતા તારીખ 14 સપ્ટેમ્બર 2025ના રોજ રવિવારની તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં તેઓની ટિકિટ બુક કરાવવામાં આવી હતી.
ટ્રેન ઉપડવાના નિર્ધારિત સમય પહેલા રાજ્યપાલશ્રી ગાંધીનગર રાજભવનથી અમદાવાદ રેલવે સ્ટેશન આવી પહોચ્યા હતા. સવારના સમયે અમદાવાદ રેલવે સ્ટેશન પર ગુજરાતના રાજ્યપાલશ્રી આવ્યા હોવાની જાણ થતા મુસાફરો પણ આશ્ચર્યચકિત થયા હતા.
તો બીજી તરફ રેલવેના ઉચ્ચ અધિકારીઓએ પણ રાજ્યપાલશ્રી અને લેડી ગવર્નરનું સ્વાગત કરી મુસાફરી માટે આવકાર્યા હતા. અમદાવાદથી મુંબઈ જતી તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં રાજ્યપાલશ્રીએ પોતાની સીટ ગ્રહણ કરી ત્યારે તે કોચમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરોમાં પણ કૂતુહલ સર્જાયુ હતું. રાજ્યપાલશ્રીએ વિનમ્ર ભાવે તમામ મુસાફરોનું અભિવાદન ઝીલ્યુ હતું તેમજ તેઓની સાથે સહજ સંવાદ પણ કર્યો હતો.
અમદાવાદથી મુંબઈ સુધીની મુસાફરી દરમ્યાન મુસાફરો સાથે રાજ્યપાલશ્રીએ ભારતીય સંસ્કૃતિ, પ્રાકૃતિક કૃષિ, સુવિધા યુક્ત રેલવે સફર, વ્યક્તિત્વ વિકાસ જેવા વિષયો પર સામાન્ય ચર્ચાઓ કરી હતી. મુસાફરોએ પણ પોતાની આ સફરને યાદગાર બનાવવા મોબાઈલમાં રાજ્યપાલશ્રી સાથે ફોટાઓ પડાવ્યા હતા.
સામાન્ય રીતે રાજ્યપાલશ્રી માટે વિશેષ વિમાન દ્વારા હવાઈ મુસાફરીની સુવિધા ઉપલબ્ધ હોય છે પરંતુ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પોતાના નિર્ધારિત કાર્યક્રમ માટે રેલ યાત્રાનો વિકલ્પ પસંદ કરી એક સામાન્ય મુસાફરની જેમ અમદાવાદથી મુંબઈ સુધી મુસાફરી કરી. જેનાથી ટ્રેનના અન્ય મુસાફરોને પણ આશ્ચર્યની સાથે આનંદની અનુભૂતિ થઈ હતી તેમજ રાજ્યપાલશ્રીના આવા સરળ વ્યક્તિત્વથી ઉપસ્થિત રેલયાત્રીઓ પ્રભાવિત થયા હતા.
મહત્વનું છે કે, ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ શ્રી સી. પી. રાધાકૃષ્ણન દ્વારા મહારાષ્ટ્રના રાજ્યપાલ પદેથી રાજીનામું આપવામાં આવ્યું છે. જે અનુસંધાને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને મહારાષ્ટ્રના રાજ્યપાલનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.