બનાસકાંઠાના રૈયા ગામના ખેડૂત પરિવારમાંથી આવેલા સી.આર. ખરસાણ લિખિત પુસ્તક ‘સનદી સેવાની સફર’

અમદાવાદ ખાતે નિવૃત્ત સનદી અધિકારી શ્રી સી.આર. ખરસાણ લિખિત પુસ્તક ‘સનદી સેવાની સફર’ તથા હિન્દી આવૃત્તિ ‘સિવિલ સેવા કા સફર’નો વિમોચન કાર્યક્રમ યોજાયો
સનદી સેવામાં નાગરિકધર્મ જ સર્વોચ્ચ છે: શ્રી સી.આર. ખરસાણ
યુવા અધિકારીઓને સનદી સેવાના વ્યક્તિગત અનુભવોની સાથે સરકારી કાર્યપ્રણાલી અંગે આંતરદૃષ્ટિ આપતું પુસ્તક: શ્રી પ્રવીણ ક. લહેરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિવૃત્ત નાયબ કમિશનર અને વરિષ્ઠ સનદી અધિકારી શ્રી સી.આર. ખરસાણ લિખિત પુસ્તક ‘સનદી સેવાની સફર’તથા હિન્દી આવૃત્તિ ‘સિવિલ સેવા કા સફર’નો વિમોચન કાર્યક્રમ એએમએ ખાતે યોજાયો હતો.
રાજ્યના પૂર્વ મુખ્યસચિવ શ્રી પ્રવીણ કે. લહેરીએ આ પુસ્તકને ભાવિ પેઢીના અધિકારીઓ માટે અમૂલ્ય અને પ્રેરણારૂપ ગણાવતાં કહ્યું કે સરકારી સેવાની મુશ્કેલીઓ, પડકારો અને જવાબદારીઓ વચ્ચે શ્રી ખરસાણે સંયમ, નિષ્ઠા અને ઈમાનદારીથી કરેલી કામગીરીના અનુભવો પરથી આવનારી પેઢીના અધિકારીઓને ઘણું શીખવા મળશે. વ્યક્તિગત અનુભવોની સાથે સરકારી તંત્રની કાર્યપ્રણાલી અંગે આંતરદૃષ્ટિ આપતું આ પુસ્તક સંશોધકો, અભ્યાસુઓ અને વહીવટી ક્ષેત્રના યુવા અધિકારીઓને માર્ગદર્શક સાબિત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
આ તકે શ્રી ખરસાણે પુસ્તક વિશે વાત કરતાં કહ્યું કે ‘સનદી સેવાની સફર’ પુસ્તકમાં તેમણે વર્ષ-૧૯૮૯થી ૨૦૨૪ સુધીના સાડા ત્રણ દાયકાની સરકારી સેવા દરમિયાન તેમને થયેલા અનુભવો, સંજોગો અને રચનાત્મક કામગીરીનો આ પુસ્તકમાં સમાવેશ કર્યો છે. આ આત્મકથા નથી, પરંતુ જીવનપ્રવાસની કેટલીક યાદગાર ક્ષણો અને વહીવટી જવાબદારીના પ્રસંગોના લેખાજોખા અને દસ્તાવેજ છે.
આ પુસ્તકનો મુખ્ય હેતુ આવનારી પેઢીને વહીવટી સેવાની નજીકથી ઓળખાણ કરાવવાનો, સંશોધકોને સંદર્ભ આપવા માટે ઉપયોગી થવાનો અને સહિયારા પ્રયાસોથી મળતાં પરિણામોને ઉજાગર કરવાનો છે. આ સમગ્ર જીવનપ્રવાસ દરમિયાન આવેલા ઉતાર–ચઢાવ, સંકટો અને શિખામણોનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે નાગરિકધર્મ સર્વોચ્ચ છે અને જે કંઈ પ્રાપ્ત થયું છે તેમાં સહયોગીઓ, વરિષ્ઠો અને સમાજનો મોટો ફાળો છે. આ પુસ્તક આવનારી પેઢી માટે પ્રેરણાદાયી સાબિત થશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, પદ્મશ્રી પ્રવીણભાઈ દરજી, સાહિત્યકાર શ્રી સતીશભાઈ વ્યાસ તેમજ શ્રી કિરીટ દૂધાત દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન તથા શ્રી ખરસાણ સાથેના અનુભવો વર્ણવાયા હતા. યુવા સાહિત્યકાર ડૉ. માસુંગ ચૌધરીએ પુસ્તક પરિચય કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં વરિષ્ઠ સનદી અધિકારીઓ શ્રી પી.કે. પરમાર, શ્રી નલીન ઉપાધ્યાય, મહાપાલિકાના અધિકારીઓ-પદાધિકારીઓ તથા બહોળી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી સી.આર. ખરસાણનો પરિચય
બનાસકાંઠના રૈયા ગામના એક ખેડૂત પરિવારમાં જન્મેલા સી. આર. ખરસાણ બાળપણથી પ્રતિભાશાળી હતા. ગાંધીનગરની સરકારી સાયન્સ કૉલેજમાં બેચલર ઓફ સાયન્સ(વનસ્પતિશાસ્ત્ર)નો અભ્યાસ કરીને વર્ષ-૧૯૮૯માં સીધી ભરતીથી ડેપ્યુટી કલેક્ટર તરીકે સરકારી સેવામાં જોડાયા.
જ્યાં તેમની આગવી કાર્યશૈલીના પરિણામે વર્ષ-૨૦૦૧માં વડોદરા ક્ષેત્રની વસ્તીગણતરીની કામગીરી માટે ‘સેન્સસ સિલ્વર મેડલ’ એનાયત થયો. સમયાંતરે, વર્ષ-૨૦૧૫માં ભારત સરકાર દ્વારા Indian Administrative Service(IAS)માં પસંદગી થતાં વલસાડના કલેક્ટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ કમિશનર સહિતની જગ્યાઓ પર ફરજ બજાવી.
આ દરમિયાન તેમણે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઍવૉર્ડ(૨૦૧૮), સ્કોચ ગોલ્ડ ઍવૉર્ડ (૨૦૧૮), ઇન્ડિયન એક્સપ્રેસ એક્સેલન્સ ઇન ગવર્નન્સ ઍવૉર્ડ (૨૦૧૯), શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારીનો ઍવૉર્ડ (૨૦૧૯), શ્રેષ્ઠ જિલ્લા કલેકટરના ઍવૉર્ડ(૨૦૧૮-૧૯)થી પુરસ્કૃત થયા અને સીએમ ડેશબોર્ડ ટૉપર્સ ક્લબમાં પણ અગ્રસ્થાને રહ્યા.
સનદી સેવામાંથી નિવૃત્તિ બાદ પણ ચાર વર્ષ માટે ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી તરીકે સેવા આપ્યા બાદ સનદી અધિકારી તરીકેની સાડા ત્રણ દાયકાના અનુભવોનો અર્ક ‘સનદી સેવાની સફર’ પુસ્તકમાં રજૂ કર્યો છે.