રેશનકાર્ડમાંથી કરોડો ડમી નામ દુર કરવા માટે કવાયત હાથ ધરાઈ

(એજન્સી)નવી દિલ્હી, કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે જીવનરેખા તરીકે કામ કરતા રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર આવ્યા છે. ખાદ્દ સુરક્ષા મંત્રાલયે તપાસ બાદ રેશનકાર્ડની પ્રક્રિયાને પારદર્શક બનાવવા અને નકલી કાર્ડ રદ કરવાનો નિર્ણય લીધો છે.
આ અંગે, ખાદ્ય સુરક્ષા મંત્રાલયે તાજેતરમાં નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જે ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં દેશભરમાં લાગુ કરવામાં આવશે. આની સીધી અસર કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર પડશે.
હવે કાર્ડધારકોને માત્ર ઘઉં અને ચોખા જ નહીં, પણ મીઠું, બાજરી અને રસોઈ તેલ જેવી વસ્તુઓ પણ મળશે. ઘણા રાજ્યોમાં આ મફત હશે, જ્યારે કેટલીક જગ્યાએ તેમને સબસિડીવાળા દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સાથે સંકળાયેલા પરિવારોને ગેસ સિલિન્ડર પર ડિસ્કાઉન્ટ અથવા મફત સુવિધા પણ મળી શકે છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પહેલા પ્રતિ વ્યક્તિ ૫ કિલો ઘઉં અને ચોખા ઉપલબ્ધ હતા, હવે તેને વધારીને ૭-૭ કિલો કરવાની યોજના છે. આનાથી મોટા પરિવારોને રાહત મળશે અને પોષણ સ્તરમાં સુધારો થશે.
રાશનકાર્ડ સંબંધિત તમામ લાભો મેળવવા માટે, હવે eKYC કરાવવું જરૂરી બનશે. આમાં આધાર અને જરૂરી દસ્તાવેજોની ડિજિટલ ચકાસણી પ્રક્રિયાનો સમાવેશ થાય છે. જે લોકો આ પ્રક્રિયા સમયસર પૂર્ણ નહીં કરે તેમના નામ યાદીમાંથી દૂર કરવામાં આવશે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે પરિણીત પુત્રીઓ, મૃત સભ્યો અથવા અન્યત્ર સ્થાયી થયેલા લોકોના નામ રેશનકાર્ડમાંથી દૂર કરવામાં આવશે. તેનો હેતુ ફક્ત વાસ્તવિક લાભાર્થીઓને જ સુવિધાઓ પૂરી પાડવાનો છે.
ખાદ્ય પદાર્થોની સાથે, દર મહિને ૧૦૦૦ રૂપિયાની સીધી નાણાકીય સહાય પાત્ર પરિવારોના બેંક ખાતામાં મોકલવામાં આવશે. તહેવારો દરમિયાન આ રકમ ૨૦૦૦ રૂપિયા સુધી પણ વધારી શકાય છે. સરકારનો દાવો છે કે આ ફેરફારો વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવશે અને ફક્ત જરૂરિયાતમંદ લોકોને જ સંપૂર્ણ લાભ મળશે.