આતંકીઓ કાશ્મીરના જંગલોમાં છૂપાવા માટે બંકરો બનાવી રહ્યા છે

AI Image
જંગલમાં એન્કાઉન્ટર સ્થળે બંકરમાં આતંકીઓના ગેસ સ્ટવ, પ્રેશર કૂકર સહિતના વાસણો અને રાશન સામગ્રી મળી આવી
શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ પોતાની રણનીતિ બદલી છે, અત્યાર સુધી આતંકવાદીઓ સ્થાનિકોના ઘરોમાં છુપાઇને રહેતા હતા જોકે હવે જંગલોમાં અન્ડરગ્રાઉન્ડ બંકરો બનાવી રહ્યા છે.
આતંકીઓ ગાઢ જંગલોમાં આ બંકરો બનાવી રહ્યા હોવાનો ખુલાસો અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. તાજેતરમાં આતંકીઓના એન્કાઉન્ટર સ્થળેથી રસોઇ બનાવવા માટેના વાસણ, ગેસ સ્ટવ વગેરે મળી આવ્યા હતા.
ગત સપ્તાહે જ કુલગામ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં બે આતંકીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. આ દરમિયાન સૈન્યએ તપાસ કરતા આતંકીઓના છુપાવાના સ્થળેથી હથિયારો અને વિસ્ફોટક સામગ્રીઓની સાથે સાથે રાશન, ગેસ સ્ટવ, પ્રેશર કૂકર પણ મળી આવ્યા હતા.
એક વરીષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે આતંકીઓ હવે જંગલોમાં અત્યંત અંતરિયાળ વિસ્તારોમાં પોતાના છુપાવા માટે બંકરો બનાવી રહ્યા છે જ્યાં દૈનિક જરૂરિયાની સુવિધાઓ રાખતા હોવાનું પણ સામે આવ્યું છે. અગાઉ આતંકીઓ સ્થાનિક લોકોના ઘરોમાં શરણ લેતા હતા.
નિવૃત ડીજીપી બી શ્રીનિવાસ કે જેમણે જમ્મુ કાશ્મીર પોલીસમાં ત્રણ દસકા સુધી કામ કર્યું છે તેમણે જણાવ્યું હતું કે સ્થાનિકો પાસે શરણ લેવી આતંકીઓ માટે હવે મુશ્કેલ થઇ રહ્યું છે જેને કારણે જંગલોમાં બંકરો તૈયાર કરી રહ્યા છે. દરમિયાન જમ્મુ કાશ્મીરના પૂંચ વિસ્તારમાં ત્રણ આતંકીઓ ભારે હથિયારો સાથે ઝડપાયા હતા. જે પણ લોકોની ધરપકડ કરવામાં આવી તેઓ હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલા છે. ઝડપાયેલા આતંકીઓના નામ રિયાઝ અહેમદ, તારિક શેખ અને મોહમ્મદ શાફી છે.
અહમદ અને શેખ બન્નેની પાસેથી બે એકે અસોલ્ટ રાઇફલ્સ મળી આવી હતી. જ્યારે શાફીની ધરપકડ કરાઇ તે બાદ વધુ કાર્યવાહીમાં અન્ય હથિયારો ઝડપાયા હતા. સરહદી વિસ્તારમાં આતંકી હુમલાનું મોટું કાવતરુ હોવાની અધિકારીઓને શંકા છે. જેના આધારે હાલ આ મામલે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.