Western Times News

Gujarati News

સરદાર સન્માન યાત્રાનું ગાંધીનગરમાં શાનદાર સ્વાગત કરાયું

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો ભવ્ય સન્માન કાર્યક્રમ

ગાંધીનગર, અખંડ ભારતના શિલ્પી એવા સરદાર પટેલની ૧૫૦ મી જન્મ જયંતી અંતર્ગત બારડોલી થી સોમનાથ સુધીની જે યાત્રા યોજાઈ છે તે આજે ગાંધીનગરમાં આવી પહોંચી હતી. આ યાત્રાના સંયોજક શ્રી ગોપાલભાઈ ચમારડીના નેતૃત્વમાં નીકળેલ આ યાત્રા ગાંધીનગરમાં પ્રવેશતા જુદા જુદા સ્થાનો પર સ્વાગત કરવામાં આવ્યું હતું .

ભારતને પ્રથમ રજવાડું સમર્પિત કરનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ સાહેબની પ્રતિમા કે જે રાદેસણ વિસ્તારમાં આવી છે ત્યાં રથયાત્રાના સંયોજક શ્રી ગોપાલભાઈ દ્વારા ફૂલહાર કરવામાં આવ્યા હતા. સમગ્ર રાજપૂત સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સરદાર યાત્રાનું સન્માન કર્યું હતું .

આ યાત્રા કુડાસણ આવી ત્યારે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરી ત્યાં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઘ-૧ બેથી ઘ-૩ ની વચ્ચે એસેસવી સ્કૂલ તથા જે એમ ચૌધરી સ્કૂલના વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવીને યાત્રાનું સન્માન કર્યું હતું.

ઉમિયા માતા સંસ્થાન ખાતેના કાર્યક્રમમાં માનનીય મુખ્ય મંત્રીશ્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં કાર્યક્રમ થયો હતો. જેમાં કેબિનેટ મંત્રી રાઘવજી ભાઇ પટેલ, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝાડફિયા,સાંસદ શ્રી એચ એસ પટેલ, શ્રી નરહરિ ભાઇ અમીન સાહેબ, ધારાસભ્ય શ્રી જીએસ પટેલ, મેયર શ્રી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રી કૌશિક વેકરીયા, ધારાસભ્ય શ્રી જે.વી કાકડિયા, ધારાસભ્ય જનકભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન, ગાંધીનગર શહેરના પ્રમુખ શ્રી આશિષભાઈ દવે,ઉપસ્થિત રહ્યાં હતા.

આ યાત્રામાં સહકારી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, અન્ય સામાજિક અને સ્વૈછિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહી સરદાર યાત્રાનું પુષ્પો દ્વારા સન્માન કર્યું હતું.
ખાસ નોંધનીય બાબત એ છે કે કોબા સ્કૂલ, જે એમ ચૌધરી સ્કૂલ, ગુરુકુળ સ્કૂલ અને કડી સ્કૂલ વગેરે સંસ્થાના હજારો વિદ્યાર્થીઓ એ ત્રણેક કિલોમીટર જેટલી લાંબી માનવ સાંકળ રચી હતી.

વિશેષમાં સરદાર પટેલના જીવનમાંથી લીધેલા પ્રસંગો અને સૂત્રો લખેલા બોર્ડ તથા પ્લે કાર્ડ વિદ્યાર્થીઓ લઈ ને આવ્યા હતા અને જય સરદારના નારા સાથે યાત્રાનું સન્માન કર્યું હતું . યાત્રાની ભવ્યતા એ હતી કે ૫૫૦ મીટર લાંબા તિરંગાને લઈને કડી કેમ્પસના વિદ્યાર્થીઓ યાત્રાની આગળ ચાલતા હતા.

ઉમિયા સંસ્થાન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લાના રાજવી પરિવારો સ્વાતંત્ર સેનાનીના પરિવારોનું સન્માન આદરણીય મુખ્યમંત્રીશ્રી અને યાત્રાના સંયોજક ગોપાલભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું.

છેલ્લે સેક્ટર ૩૦ સર્કલ ખાતે જ્યારે યાત્રા પહોંચી કે.જી વણઝારા સાહેબના નેતૃત્વ નીચે વણઝારા સમાજે તેમના પરંપરાગત પરિધાન સાથે ઢોલની તાલે ગરબા ગાઈ ને યાત્રાનું સન્માન કર્યું હતું.ગાંધીનગર મહાનગરમાંથી નીકળેલી યાત્રાએ જેટલો માર્ગ કવર કર્યો હતો.

આ યાત્રાનું આયોજન અને સંકલન શ્રી મહેન્દ્રભાઈ દાસ (કન્વીનર),શ્રી રાજુભાઈ પટેલ (સહ કન્વીનર), સુરેશભાઈ પટેલ ડો.અનિલભાઈ પટેલ, પૂર્વીન પટેલ, જે. પી તાડા વગેરેએ કર્યું હતું. ઉમિયા સંસ્થાન ખાતે યોજાયેલ કાર્યક્રમનું સંકલન સંસ્થાના પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ, સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ, સૌરાષ્ટ્ર લેઉઆ પાટીદાર સમાજ, કચ્છ કડવા પાટીદાર તથા ગાંધીનગર લેઉઆ પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ યાત્રાના સન્માનમાં જુદી જુદી જ્ઞાતિઓ,સામાજિક સંસ્થાઓ,બેંકો,બિલ્ડરો અને વ્યક્તિગત રીતે ૫૫૦ જેટલા હોલ્ડિંગ્સ લગાવીને આ યાત્રાને ભવ્યતા બક્ષી હતી.

ખાસ કરીને પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયાએ આ યાત્રા નું કેમ્પેઇન કરી, તેમના દૈનિક પેપરો અને મીડિયામાં સ્થાન આપી ને જે સહયોગ આપ્યો છે એ બદલ યાત્રાના કન્વીનર મહેન્દ્રભાઈ, રાજુભાઈ પટેલ, ડો. અનિલભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, પૂર્વીન પટેલ, મનીશભાઈ પટેલ, કિંજલ, શૈલેશ પટેલ, રાકેશ પટેલ,ઉર્વીન પટેલે સાથે કાર્યક્રતાઓએ ખુબ ખુબ આભાર માન્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.