પરીક્ષા આપી પરત ફરતા પરિવારનો અકસ્માત થયો: પતિ-પત્ની સહિત ત્રણનાં મોત

પોરબંદર, ગઈ મોડી રાત્રે પોરબંદર જિલ્લાના કુતિયાણા હાઈવે પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં પતિ-પત્ની સહિત ત્રણ લોકોનાં કરુણ મૃત્યુ થયાં હતાં. આ ઘટનામાં એક પાંચ વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો છે.
પોરબંરનો પરિવાર રાજકોટથી તલાટીની પરીક્ષા આપીને પરત ફરતો હતો ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.મળતી માહિતી મુજબ, પોરબંદરના છાયા નવાપરા વિસ્તારમાં રહેતા માલદેભાઈ ભાયાભાઈ ભૂતીયા, જયમલ વીંજાભાઈ ઓડેદરા અને આશાબેન માલદેભાઈ પોતાની કારમાં રાજકોટથી પોરબંદર પરત ફરી રહ્યા હતા.
તેઓ તલાટી મંત્રીની પરીક્ષા આપીને પાછા ફરી રહ્યા હતા, જેમાં આશાબેન અને તેમના ભાઈ જયમલભાઈ પરીક્ષા આપવા ગયા હતા, જ્યારે માલદેભાઈ અને તેમની પુત્રી નૈતિકા પણ સાથે હતા.
કુતિયાણા હાઈવે પર અચાનક તેમની કાર ડિવાઈડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં માલદેભાઈ, જયમલભાઈ અને આશાબેનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
જોકે, કારમાં સવાર માલદેભાઈ અને આશાબેનની પાંચ વર્ષની પુત્રી નૈતિકાનો ચમત્કારિક બચાવ થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ કરુણ ઘટનાથી સમગ્ર જિલ્લામાં શોકની લાગણી છવાઈ ગઈ છે.SS1MS