હારિજમાં યોજાયેલા પશુપાલક સંમેલનમાં હોબાળો મચ્યો

પાટણ, હારિજ, સમી અને શંખેશ્વર તાલુકાના પશુપાલકો દ્વારા દૂધમાં ભાવવધારા સહિતના વિવિધ પ્રશ્ને સોમવારે હારિજમાં પશુપાલક સંમેલન યોજવામાં આવ્યું હતું. આયોજકોએ પશુપાલકોને દૂધના ભાવમાં વધારો, સાગર દાણની ગુણવત્તામાં સુધારો અને અન્ય પડતર પ્રશ્નો પર ચર્ચા કરવા માટે એક મંચ પૂરો પાડ્યો હતો.
જોકે, સંમેલન શરૂ થાય તે પહેલાં જ દૂધસાગર ડેરીના સમર્થકો સંમેલનમાં આવતાં હોબાળો મચ્યો હતો. પશુપાલકો અને દૂધસાગર ડેરીના સમર્થકો વચ્ચે ઘર્ષણ થતાં પશુપાલકોએ દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યો હતો. દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને આપવામાં આવતા દૂધના અપૂરતા ભાવ, સાગર દાણમાં થતી ભેળસેળ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવાનો આ સંમેલનનો હેતુ હતો.
સંમેલન દરમિયાન દૂધસાગર ડેરીના સમર્થકો જેમાં મંડળીના મંત્રીઓ અને પ્રમુખો પણ સામેલ હતા, તે સ્થળ પર ધસી આવતાં સંમેલનના કાર્યકર્તાઓએ ગેટ પર જ રોકી દેતાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ મામલે હારિજ-સમીના ડિરેક્ટર શકતાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, શાસન બદલાતા અમને કોઈ પણ નુકસાન નથી અને ભાવ પણ ઘટ્યા નથી વધ્યા છે.
અમારી ડેરીનો ભાવ વધારો છે પણ બીજી ડેરીનો ભાવ વધારો નથી તેમ તેઓએ જણાવ્યું હતું. જ્યારે કાનજી દેસાઈએ જણાવ્યું હતું કે, હું છેલ્લા ૨૫ વર્ષથી સોઢવ દૂધ ઉત્પાદન મંડળીમાં પ્રમુખ છું. છેલ્લા ચાર-પાંચ વર્ષથી કોઈ ભાવ ઘટ્યા નથી.
આ સંમલેનમાં એક પણ પશુપાલક નથી, આ બધા ભેગા કરેલા છે. અમે બધા પશુપાલક જ છીએ. વહીવટકર્તા શીવાભાઈ પહેલાં સારા કહેવાતા અને હવે એમનું ખીસું ભરાઈ ગયું છે. શિવાભાઈના ઘરે ઢોર પણ નથી અને કદી દૂધ પણ ભરાવતા નથી.
હારિજ-સમીના નામે સંખ્યા દેખાડવા માટે માણસાથી લોકોને બોલાવ્યાંના આક્ષેપ પણ કર્યાે હતા. હોબાળા બાદ પશુપાલકોએ પોતાનો વિરોધ યથાવત્ રાખ્યો હતો. પશુપાલકોએ વિવિધ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી.
આ રેલી હારિજ હાઈવે પર પહોંચતાં પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. જેમાં પશુપાલકોની મુખ્ય માગણીઓ રજૂ કરાઈ હતી.SS1MS