મોહમ્મદ સિરાઝ ઓગસ્ટનો શ્રેષ્ઠ આઇસીસી ક્રિકેટર જાહેર

દુબઈ, ભારતનો ઝડપી બોલર મોહમ્મદ સિરાઝ સોમવારે ઓગસ્ટ મહિના માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)નો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર જાહેર થયો હતો.
સિરાઝે ઇંગ્લેન્ડ સામેની પાંચમી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરીને ભારતને રોમાંચક વિજય અપાવ્યો હતો જેની મદદથી ભારતે પાંચ ટેસ્ટની સિરીઝ ૨-૨થી સરભર કરી હતી.
ઓવલ ખાતેની પાંચમી ટેસ્ટમાં સિરાઝે શ્રેષ્ઠ બોલિંગ કરી હતી અને છેલ્લા દિવસે ઇંગ્લેન્ડને ટારગેટથી છ રન દૂર રાખવામાં સફળતા મેળવી હતી. અંતિમ દિવસે તેણે ત્રણ મહત્વની વિકેટ ખેરવી હતી અને મેચમાં નવ વિકેટ ઝડપી હતી. સિરાઝે આ અંગે જણાવ્યું હતું કે આઇસીસી પ્લેયર ઓફ ધ મન્થનો એવોર્ડ મારા માટે વિશેષ સન્માન છે.
એન્ડરસન-તેંડુલકર ટ્રોફી મારા માટે યાદગાર સિરીઝ રહી હતી. મારી કારકિર્દીમાં આ સૌથી તીવ્ર અને રોમાંચક સિરીઝ હતી. મને ગર્વ છે કે મેં ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં કેટલાક મહત્વના સ્પેલ સાથે ટીમની સફળતામાં યોગદાન આપ્યું હતું.
ખાસ કરીને અંતિમ ટેસ્ટના છેલ્લા દિવસની મારી બોલિંગથી ટીમને સફળતા મળી તેનું મને ગૌરવ છે. અંગ્રેજ બેટર્સ સામે તેમના હોમગ્રાઉન્ડ પર બોલિંગ કરવી આસાન હોતી નથી અને સાથે સાથે એ દિવસે મેં મારું સર્વશ્રેષ્ઠ યોગદાન આપ્યું હતું તેમ સિરાઝે ઉમેર્યું હતું.
આયર્લેન્ડની ઓલરાઉન્ડર પ્રેન્ડેગાસ્ટને વિમેન્સ પ્લેયર ઓફ ધ મન્થ જાહેર કરાઈ હતી. તે પાકિસ્તાનની વિકેટકીપર મુનીબા અલી અને નેધરલેન્ડ્સની ઝડપી બોલર ઇરિસ ઝ્વિલિંગ સાથે સ્પર્ધામાં હતી.SS1MS