Western Times News

Gujarati News

કુતુબ મિનાર જેવડો લઘુગ્રહ પૃથ્વીની નજીકથી પસાર થશે

નવી દિલ્હી, નાસાના વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે એક કુતુબ મિનાર જેવડા કદનો લઘુગ્રહ પૃથ્વી તરફ કલાકના ૨૪૦૦૦ માઇલની ઝડપે ધસી રહ્યો છે.

આ લઘુગ્રહ આપણી પૃથ્વીની સપાટીથી ૮૪૨૦૦૦ કિલોમીટરના અંતરેથી પસાર થઇ જાય તેવી ધારણાં છે. એસએ ૨૨ નામનો આ લઘુગ્રહ ૧૮ સપ્ટેમ્બરે પૃથ્વીની નજીકથી પસાર થશે. નાસા અને જેટ પ્રોપલ્શન લેબોરેટરીના જણાવ્યા અનુસાર આ લઘુગ્રહ પૃથ્વીની નજીકથી કોઇ હાનિ કર્યા વિના પૂરઝડપે પસાર થઇ જશે.

આ લઘુગ્રહ પૃથ્વીથી સલામત અંતરેથી પસાર થવાનો હોવા છતાં વિજ્ઞાનીઓ તેના પર બારીક નજર રાખી રહ્યા છે. નાસાના માપદંડ અનુસાર ૮૫ મીટરથી મોટો કોઇપણ અવકાશી પદાર્થ પૃથ્વીથી ૭૪ લાખ કિલોમીટરના અંતરમાં પસાર થવાનો હોય તો તેને સંભવિત જોખમી લઘુગ્રહ ગણવામાં આવે છે. આ વ્યાખ્યા અનુસાર આ લઘુગ્રહ એફએ૨૨ જોખમી લઘુગ્રહની કક્ષામાં આવે છે.

જો કે, એફએ૨૨ પૃથ્વી સાથે અથડાય તેવું કોઇ જોખમ નથી. આ લઘુગ્રહ પૃથ્વી સાથે અથડાવાની કોઇ સંભાવના ન હોવા છતાં વિજ્ઞાનીઓ તેના પર નજર રાખી રહ્યા છે તેનું કારણ આ લઘુગ્રહનો અનિશ્ચિત પ્રદક્ષિણાપથ છે.

ગુરૂત્વાકર્ષણને કારણે અથવા અન્ય કોઇ પરિબળને કારણે તેના પ્રદક્ષિણાપથમાં સહેજ પણ ફેરફાર થાય તો તેના વિનાશકારી પરિણામો આવી શકે છે.

નાસા અને જેપીએલના વિજ્ઞાનીઓએ આ વર્ષના આરંભમાં આ લઘુગ્રહને પાન સ્ટાર્સ ૨ સર્વે દરમ્યાન હવાઇમાં શોધી કાઢ્યો હતો. એફએ૨૨નું કદ અંદાજે ૧૨૦ થી ૨૮૦ મીટરનું હોઇ શકે છે.

નાસાના નિરીક્ષણો દર્શાવે છે કે એફએ ૨૨ સૂર્યની ફરતે ૧.૮૫ વર્ષમાં એક ચક્કર મારે છે. જ્યારે આ લઘુગ્રહ પૃથ્વીની નજીકથી પસાર થશે ત્યારે તેનું અંદાજિત અંતર ચન્દ્રના અંતરથી બમણું હશે. આટલા સલામત અંતરેથી આ લઘુગ્રહ પસાર થવાનો હોવા છતાં તેની ભ્રમણકક્ષામાં કોઇ ફેરફાર થાય તો જોખમ સર્જાઇ શકે છે.

વિજ્ઞાનીઓ અને શિખાઉ ખગોળશાસ્ત્રીઓ માટે આટલી નજીકથી પસાર થનારો આ લઘુગ્રહ તેનો અભ્યાસ કરવાની અમૂલ્ય તક બની રહેશે. આવો મોટા કદનો લઘુગ્રહ પૃથ્વીની આટલી નજીકથી પસાર થવાની ઘટનાઓ દાયકામાં એક કે બે વાર જ બને છે.

દરેક લઘુગ્રહના અભ્યાસ સાથે વિજ્ઞાનીઓનું જ્ઞાન વધારે વિશદ બને છે અને ભવિષ્યમાં આવી કોઇ અથડામણ નિવારવામાં તે ઉપયોગી નીવડી શકે છે. એફએ૨૨નો હાલ રડાર અને આધુનિક ટેલિસ્કોપ દ્વારા અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. વિજ્ઞાનીઓ તેના પ્રદક્ષિણાપથનો ગહન અભ્યાસ કરી તેની રચના વિશે ઘણું શીખી શકશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.