ધર્માંતરણ વિરોધી કાયદા સંદર્ભે ગુજરાત સહિતના રાજ્યો પાસે સુપ્રીમે જવાબ માગ્યો

નવી દિલ્હી, ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં ધર્માંતરણ વિરોધી કાયદો બન્યો છે. આ કાયદાના અમલ પર સ્ટેની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં સંખ્યાબંધ અરજીઓ થયેલી છે.
આ અરજીઓની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ગુજરાત સહિતના રાજ્યોને પોતાનું વલણ સ્પષ્ટ કરવા નિર્દેશ આપ્યા છે. રાજ્યો તરફથી જવાબ મળ્યા બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા સંબંધિત રાજ્યોના કાયદા સામે સ્ટે આપવાનો નિર્ણય લેવામાં આવશે. ચીફ જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ કે વિનોદ ચંદ્રનની બેન્ચે અરજીઓની સુનાવણી દરમિયાન સ્ટે આપવાની રજૂઆતને ફગાવી દીધી હતી.
કોર્ટે સંબંધિત રાજ્યોને ચાર સપ્તાહમાં પોતાના જવાબ રજૂ કરવા અને ત્યારબાદના બે સપ્તાહમાં રીજોઈન્ડર રજૂ કરવા અરજદારને નિર્દેશ આપ્યા હતા. આ કેસની આગામી સુનાવણી છ અઠવાડિયા બાદ રાખવામાં આવશે. જો કે તે દરમિયાન સ્ટે આપવાની દાદને સુપ્રીમ કોર્ટે ગ્રાહ્ય રાખી ન હતી.
ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, હરિયાણા, ગુજરાત ઝારખંડ અને કર્ણાટકમાં રાજ્ય સરકારોએ ધર્માંતરણ વિરોધી કાયદો બનાવેલો છે.
આ કાયદો બંધારણનો ભંગ કરતી હોવાના દાવા સાથે અરજીઓ થયેલી છે. સુનાવણી દરમિયાન લગ્નના કારણે અથવા અન્ય માધ્યમો દ્વારા થતાં ધર્મ પરિવર્તનના પાસા અંગે દલીલો થઈ હતી. ઉત્તર પ્રદેશ સરકાર સામે અરજી કરનારા સિનિયર એડવોકેટ સી યુ સિંઘે દલીલ કરી હતી કે, ઉત્તર પ્રદેશ સરકારનો કાયદો વધુ દમનકારી છે.
તેનાથી અન્ય ધર્મમાં લગ્ન કરનાર વ્યક્તિ માટે જામીન મેળવવાનું પણ અશક્ય બનશે.ઉત્તર પ્રદેશમાં આ પ્રકારના કેસમાં ત્રીજા પક્ષને પણ ફરિયાદ નોંધાવવાની મંજૂરી મળે છે, જેના કારણે આંતરધર્મીય લગ્નો બાબતે ટોળું સંકળાય ત્યારે હેરાનગતિ થવાનું જોખમ છે.
સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ કે એમ નટરાજે રજૂઆત કરી હતી કે, ત્રણ ચાર વર્ષ થયા પછી અચાનક સ્ટે માટે માગણી કરવામાં આવી છે. તેથી વચગાળાની રાહત આપી શકાય નહીં. સરકાર તરફથી જવાબ રજૂ કરવામાં આવશે.SS1MS