આ શાળાના દરેક બાળકને એક ઝાડ દત્તક અપાઈ તેની કાળજી લેવાની જવાબદારી સોંપવામાં આવી

સેવા પખવાડીયાની ઉજવણી અંતર્ગત ૨૦૦ વૃક્ષો વાવીને વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરાયા
ઈંગોલી પ્રાથમિક શાળામાં ‘એક પેડ માં કે નામ 2.0’ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
વિશ્વ પર્યાવરણ દિવસ (૫મી જૂન) નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘એક પેડ મા કે નામ’ અભિયાનની શરૂઆત કરાવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસથી શરૂ થઈ રહેલા સેવા પખવાડિયા અને એક પેડ માટે નામ અભિયાન અંતર્ગત ધોળકાની ઇંગોલી પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ‘એક પેડ મા કે નામ’ અભિયાન માતા પ્રત્યેના પ્રેમ, આદર અને સન્માનનું પ્રતિક હોવા ઉપરાંત પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા તેમજ ગ્લોબલ વોર્મિંગના પડકારનો સામનો કરવાનો ઉત્તમ પ્રયાસ છે.
અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા લેવામાં આવેલ ૭,૫૦૦ વૃક્ષો વાવવાના સંકલ્પ અંતર્ગત ઈંગોલી પ્રાથમિક શાળામાં આચાર્યશ્રી, શિક્ષકો, વિદ્યાર્થીઓ, એસ.એમ.સી.ના સભ્યો તથા ગામજનોની ઉપસ્થિતિમાં કુલ ૨૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. શાળાના પરિસરમાં તથા ગામના વિવિધ વિસ્તારોમાં આ વૃક્ષારોપણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.
કાર્યક્રમની વિશેષતા તરીકે પ્રત્યેક બાળકને એક ઝાડ દત્તક અપાઈ તેની કાળજી લેવાની જવાબદારી સોંપવામાં આવી. આ સાથે જ બાળકોને વૃક્ષોના મહત્વ, પર્યાવરણની સુરક્ષા, ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ તથા તેના ઉકેલ માટે નાગરિક અને વિદ્યાર્થી તરીકે પોતાની ફરજ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઈંગોલી પ્રાથમિક શાળાએ “એક પેડ મા કે નામ 2.0” અભિયાનને ઉત્સાહભેર ઉજવી, પર્યાવરણ સંરક્ષણનો સંદેશ સમાજ સુધી સફળતાપૂર્વક પહોંચાડ્યો.