Western Times News

Gujarati News

મધ્યપ્રદેશના ધારથી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો PM મોદીએ શુભારંભ કરાવ્યો

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી વડાપ્રધાનશ્રીના કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું

સમગ્ર ગુજરાતમાં ૧.૪૧ લાખથી વધુ આરોગ્ય કેમ્પનું આયોજન કરાશે

Ahmedabad,, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે મધ્યપ્રદેશના ધાર ખાતેથી રાષ્ટ્રવ્યાપી અભિયાન “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર”નો શુભારંભ કરાવ્યો હતો તેમજ દેશના નાગરિકોને પ્રેરક સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ પ્રસારણ નિહાળ્યું હતું.

“સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનના શુભારંભ પ્રસંગે મહાત્મા મંદિર ખાતે યોજાયેલા નિઃશુલ્ક મેગા આરોગ્ય ચકાસણી કેમ્પની રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી તેમજ આરોગ્ય મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. ઉપરોક્ત મેગા કેમ્પમાં નાગરિકોને હૃદય રોગ, કેન્સર, કિડની, ટીબી, ડાયાલિસિસ, બીપી, સ્ત્રી રોગ, આંખ, કાન, નાક અને ગળાના રોગોની તપાસ અને માર્ગદર્શન નિઃશુલ્ક આપવામાં આવશે.


ગુજરાતમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને  મહિલા-બાળ કલ્યાણ વિભાગ દ્વારા તા. ૧૭ સપ્ટેમ્બર થી તા. ૦૨ ઓકટોબર સુધી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન ચલાવવામાં આવશે. તે અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ હોસ્પિટલ સુધી સ્ત્રીઓ અને બાળકો માટે જુદા ૧૪ જેટલા વિષયો સંબંધિત આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે.

આજથી શરૂ થયેલા રાષ્ટ્રવ્યાપી અભિયાન સંદર્ભે ગુજરાતમાં અંદાજે કુલ ૧,૪૧,૦૩૭ જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પેટા આરોગ્ય કેન્દ્ર-આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા ૧,૦૦,૮૫૪, પ્રાથામિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ૨૦,૦૦૭, શહેરી પ્રાથામિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ૫,૫૯૦, શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા ૯,૯૭૧ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ૪,૬૧૫ જેટલા કેમ્પનો સમાવેશ થાય છે.

આમ રાજ્યમાં ૧૦,૮૪૯ સ્પેશ્યાલિસ્ટ કેમ્પ અને ૧,૩૦,૧૮૮ સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરીને નાગરિકોને નિ:શુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ આપવામાં આવશે.

કંઇ કંઇ સેવાઓનો લાભ મળશે ?
પૂર્વ પ્રસૂતિ અને પ્રસૂતા માતા સંબધિત સેવાઓ, રસીકરણ અને બાળ સ્વાસ્થ્ય સંબધિત સેવાઓ, કિશોરી સ્વાસ્થ્ય અંતર્ગત એનીમિયા અને માસિક સ્વચ્છતા સંબધિત સેવાઓ, ડાયાબિટીસ, બી.પી, જેવા  બિન ચેપી રોગો , ઓરલ, સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રીનિંગ અને સારવાર સંબધિત સેવાઓ,  સિકલ સેલ રોગ માટેનું સ્ક્રીનિંગ અને સારવાર, ટીબી, માનસિક સ્વાસ્થય, આંખ, ENT સેવાઓ  અને ડેન્ટલ સંબધિત સેવાઓ, મેદસ્વિતા જાગૃતિ, દેહ/અંગદાન જાગૃતિ, આયુષ સેવાઓને સાંકળીને જેરિયાટ્રિક (વયોવૃધ્ધ નાગરિકો માટે) કેર, આયુષ્યમાન ભારત અને વય વંદન કાર્ડ સંબધિત સેવાઓ, રક્તદાન શિબિરો અને જાગૃતિ વિગેરે જેવી સેવાઓ આપવામાં આવશે.
કયા ટેસ્ટ નિ:શુલ્ક કરાશે?
આ પખવાડીયા દરમ્યાન તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે થનાર તમામ મેડિકલ કેમ્પમાં આરોગ્ય વિષયક સેવાઓ જેવી કે મેડિકલ ચેક-અપ, સ્ક્રીનિંગ, નિદાન, લેબોરેટરી ટેસ્ટ, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, રેડિયોલોજીકલ ટેસ્ટ જેવા કે એક્સ-રે, સોનોગ્રાફી, MRI સી.ટી. સ્કેન વગેરે નિ:શુલ્ક કરવામાં આવશે. વધુમાં 15 દિવસના સમયગાળા દરમિયાન તબીબો દ્વારા કેમ્પમાં પ્રિસ્ક્રાઇબ કરેલા ટેસ્ટને પછીથી પણ નિયતસમયમર્યાદામાં  વિનામૂલ્યે કરી આપવામાં આવશે.

આ ઉપરાંત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત રાજ્યમાં ૬૦૦ જેટલી જગ્યાએ મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય સેવાના આ પખવાડિયામાં રાજ્યની પ્રત્યેક મહિલાઓ તેમના પરિવારજનો સહિત તમામ નાગરિકોને બહોળી માત્રામાં કેમ્પનો લાભ લેવા માટે આરોગ્ય મંત્રીશ્રીએ અનુરોધ કર્યો છે.

મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં સાંસદ શ્રી મયંકભાઈ નાયક, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ધારાસભ્ય શ્રી જયંતિભાઈ પટેલ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી

, આદિજાતિ વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી શાહમીના હુસૈન, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી અવંતિકા સિંઘ, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી વિક્રાંત પાંડે, મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી રાકેશ શંકર, આરોગ્ય કમિશનર-શહેરી શ્રી હર્ષદ પટેલ તેમજ આરોગ્ય કમિશનર-ગ્રામ્ય શ્રી રતન કંવર સહિત અધિકારી-કર્મચારી અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.