PM મોદીના જન્મ દિનથી મહાત્મા ગાંધીના જન્મ દિવસ સુધી “સ્વચ્છતા હી સેવા”ની દેશભરમાં ઉજવણી કરાશે

ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામથી રાજ્ય કક્ષાના “સ્વચ્છતા હી સેવા” 2025નો શુભારંભ
મહાત્મા ગાંધીના સ્વચ્છતાના કાર્યને એક મિશન તરીકે વડાપ્રધાનશ્રીએ ઉપાડી લીધું છે- મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ
“સ્વચ્છ ભારત, હરિયાળું ભારત”ની સંકલ્પના સાકાર કરવા માટે અઠવાડિયાના બે કલાક સ્વચ્છતા માટે, શ્રમ દાન કરવા ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રીની અપીલ
ગુજરાતને “સ્વસ્થ ગુજરાત” બનાવવા ગામનો ચોરો, મંદિર, શાળા, જાહેર સ્થળો, સરકારી ઇમારતોમાં સફાઇ ઝુંબેશ ધરીએ – રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે પંચવટી ફાર્મ ખાતે , ગ્રામ વિકાસ કમિશનરની કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે, રાજય કક્ષાના સ્વચ્છોત્સવ -૨૦૨૫ના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધનના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અને ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની ગરિમામય ઉપસ્થિતિમાં “સ્વચ્છતા હી સેવા” 2025નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિને 75 વર્ષ પૂરાં થવાના અવસરે, આજથી બીજી ઓક્ટોબર,૨૦૨૫ સુધી દેશભરમાં “સ્વચ્છતા હી સેવા”-૨૦૨૫ની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ દ્વારા દેશમાં સ્વચ્છોત્સવ ઉજવાઈ રહ્યો છે.
મંત્રીશ્રીઓની હાજરીમાં જય અંબે સ્વ સહાય જૂથ અને રૂપાલ ગામના સરપંચ વચ્ચે ઘન કચરાના વ્યવસ્થાપન માટે એમઓયુ કરવામાં આવ્યા હતા.પ્લાસ્ટિક ફ્રી ગુજરાત બનાવવા માટેની સમજણ આપતી ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે “ગંદકી કરીશ નહીં અને કરવા દઈશ નહીં “એ પ્રકારનો સ્વચ્છતાનો સંકલ્પ ઉપસ્થિત સૌએ લીધો હતો.
રૂપાલ ગામના સ્વચ્છતા કર્મીઓ શ્રી નટવરભાઈ જાદવ અને પરસોત્તમભાઈ પરમારનું શાલ ઓઢાડીને મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, અન્ય ચાર સફાઈ કર્મીઓને પગનાં બૂટ, હાથનાં મોજાં અને સ્વચ્છતા અંગેની જરૂરી સામગ્રીની કીટ પ્રતીક રૂપે આપવામાં આવી હતી.
ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધનના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીએ આઝાદીની લડત વખતે દેશને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો. વિશ્વનો સૌથી લોકપ્રિય નેતા અને આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીના ગાંધીજીના જન્મદિવસના સમયગાળાને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે.
ગામડામાં ખુલ્લામાં શૌચક્રિયા એ દેશની શરમ હતી. ગુજરાતની ગંદકીને દૂર કરવાની શરૂઆત નરેન્દ્ર ભાઈ કરી અને દેશભરમાં 44 લાખ શૌચાલય બનાવીને ગુજરાત પ્રથમ ઓડીએફ જાહેર થયું. ગુજરાત સરકારે આજે ગામેગામ ઇ ગ્રામ રીક્ષા આપી છે. સ્વચ્છતા સેવાઓને વધુ સારી – સુદ્રઢ બનાવી છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે. પર્યાવરણને સુધારવા માટે અને ભારતને હરિયાળું બનાવવા માટેના ભગીરથ પ્રયત્નો વડાપ્રધાનશ્રીએ કર્યા છે.
મહાત્મા ગાંધીના સ્વચ્છતાના કાર્યને એક મિશન તરીકે વડાપ્રધાનશ્રીએ ઉપાડી લીધું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગામના સરપંચોને સફાઈ માટે જે નાણાં પૂરા પાડવામાં આવતા હતા તેમાં વધારો કરી સ્વચ્છતાના કાર્યને વધુ ગતિમાન બનાવ્યું છે. મંત્રીશ્રીએ ગ્રામ પંચાયતને ઘન કચરાના નિકાલ અને પ્રવાહી કચરાના નિકાલ માટેની વ્યવસ્થાના સરકારી આયોજનનો પૂરતો લાભ લેવા અને તેનો ઉપયોગ કરવા ખાસ વિનંતી કરી હતી. 25 સપ્ટેમ્બરે શ્રી દીન દયાલ ઉપાધ્યાયની જન્મ જયંતી એ, દેશભરમાં” એક દિન, એક ઘંટા, એક સાથ ,સબ સ્વચ્છતા” ના કાર્યક્રમમાં ભાગ લેવા અને સફળ બનાવવા અપીલ કરી હતી.
મંત્રીશ્રી પટેલે વૃક્ષોનો મહિમા સમજાવીને જણાવ્યું હતું કે, પોતાની માતાના નામે એક વૃક્ષ દરેક વ્યક્તિ વાવીને ઉછેરે અને મોટું કરે તો ક્યારેય ઓક્સિજનના બાટલાની જરૂર ના પડે. વૃક્ષથી આપણને એક ફાયદા થાય છે અને મૂળિયાં જમીનનું રક્ષણ કરે છે, ફળ- ફૂલ આવે છે એનો આપણો ઉપયોગ કરીએ છીએ. અગ્નિદાહ આપવા લાકડાંની જરૂર પડે છે. બાળકના જન્મના શરૂઆત કરી મૃત્યુ સુધી વૃક્ષ આપણને સાથ અને સહકાર આપે છે.વૃક્ષોમાંથી દવાઓ બને છે.એક પેડ મા કે નામ અભિયાન અત્યાર સુધીમાં સાડા તેર કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
મંત્રી શ્રી રાઘવજીભાઈએ સૌને તળાવ , નદી ,ગામ ,શેરીની સ્વચ્છતા માટે શ્રમદાન કરવાનું પણ આહવાન કર્યું હતું. તેમણે ગ્રામજનોને “મારું ગામ, સ્વચ્છ ગામ “, “મારો તાલુકો , સ્વચ્છ તાલુકો,” મારો જિલ્લો, સ્વચ્છ જિલ્લો” , “મારું રાજ્ય, સ્વચ્છ રાજ્ય”, “મારો દેશ ,સ્વચ્છ દેશ,” “સ્વચ્છ ભારત, હરિયાળું ભારત” એ સંકલ્પના સાકાર કરવા માટે અઠવાડિયાના બે કલાક સ્વચ્છતા માટે, શ્રમ દાન કરવાની આદત કેળવવા ઉપર ભાર મૂક્યો હતો.
રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના જન્મદિવસને સ્વચ્છતાના કાર્યક્રમો સાથે સાંકળી લેવામાં આવ્યો છે. ગાંધીજીના સ્વચ્છતાના પાયાના વિચારોને અમલમાં મૂકવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અથાક પ્રયત્ન કરી રહ્યા છે. શેરી, ગામ ,તળાવ ,નદી, મંદિર સ્વચ્છ રાખીશું એ આ અભિયાનની સાર્થકતા ગણાશે.
ભારત ગામડાનો બનેલો દેશ છે, ભારત દેશનો આત્મા ગામડામાં વસેલો છે એટલે જ કહેવાય છે ગામ સમૃદ્ધ તો ભારત દેશ સમૃદ્ધ બને. મંત્રી શ્રી હળપતિએ વધુમાં ઉમેર્યું હતું કે મંદિર હોય, પ્રાથમિક શાળા હોય, ગામનો ચોરો હોય ત્યાં સફાઈનું આયોજન કરીએ. માધ્યમિક શાળા હોય કે કોઈપણ સરકારી કચેરી હોય તેમાં જઈને સફાઈ ઝુંબેશ કરીએ તો જ ગુજરાતને સ્વસ્થ ગુજરાત બનાવી શકીશું. તેમણે બધાને સ્વચ્છતા તરફ આગળ વધવાનું આહવાન કરી જણાવ્યું હતું કે, વાદ નહીં, વિવાદ નહીં, સ્વચ્છતા સિવાય બીજી કોઈ વાત નહીં. તેમણે ગ્રામજનોને એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત પોતાના માતા પિતાના નામે વૃક્ષારોપણ કરવાની પણ પ્રેરણા આપી હતી.
સ્વચ્છોત્સવ પ્રસંગે ગ્રામ વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી મિલિંદ તોરવણેએ કહ્યું હતું કે, આ વાર્ષિક અભિયાન માત્ર એક ઝુંબેશ નથી, પરંતુ સમાજ અને સરકારના વ્યાપક દૃષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કરે છે. આ અભિયાનનો વ્યાપ અને પ્રભાવ સતત વધી રહ્યો છે ત્યારે સ્વચ્છોત્સવ થીમ હેઠળ ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાનની ઉજવણી કરાશે.
જેમાં કાયમી ગંદાં સ્થળોની ઓળખ કરી તેને સમયસર સાફ કરવાની કામગીરી, સરકારી કચેરીઓ,સંસ્થાઓ અને જાહેર સ્થળોની સંપૂર્ણ સ્વચ્છતા, સફાઈ મિત્રોના આરોગ્ય અને કલ્યાણ માટે સુરક્ષા શિબિરો, સ્વચ્છ ગ્રીન ઉત્સવો દ્વારા પર્યાવરણ મિત્ર તેમજ કચરામુક્ત જાહેર સ્થળો અને જનજાગૃતિ પ્રવૃત્તિઓ જેમ કે સ્વચ્છ સુજલ ગામ, કચરાથી કલા, સ્વચ્છ સ્ટ્રીટ ફૂડ અને રિયુઝ,રિસાયકલ અને રિકવર જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત રાજ્યના દરેક ખૂણામાં આ અભિયાન પહોંચે તે માટે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગે અન્ય ૧૨ વિભાગો સાથે સંકલન કર્યું છે. આ વર્ષે “એક દિવસ-એક કલાક- એક સાથે” જેવી ગતિશીલ પ્રવૃત્તિઓમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને મહાશ્રમ દાન કરે તે માટે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે તમામ વિસ્તારોને સ્વચ્છ બનાવીએ. સાથે જ સફાઈ મિત્રો અને સ્વયંસેવકોનું સન્માન આપણી સૌની ફરજ છે તેમ જણાવી તેમણે આ અભિયાન દ્વારા “અંત્યોદયથી સર્વોદય” સુધી સ્વચ્છતા અને આરોગ્ય પહોંચાડવાનો નિર્ધાર કર્યો હતો.
આ અવસરે રૂપાલ ગામના શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનિઓ સ્વચ્છતા અંગેની જનજાગૃતિ માટેની રેલીમાં સ્વચ્છતાના બેનરો સાથે જોડાયા હતા.
મંત્રીશ્રી રાઘવજી પટેલ અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે રૂપાલ ગામના તળાવના કિનારા પાસે સોકપિટ(શોષ ખાડા)નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બંને મંત્રીશ્રીઓ રૂપાલ ગામના તળાવના કિનારાની સાફ – સફાઈ કરી અને અન્ય મહાનુભાવો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.
તેમજ એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત મંત્રીશ્રીઓની સાથે, ગ્રામ વિકાસ વિભાગના કમિશનર અને અગ્ર સચિવ શ્રી મિલિંદ તોરવણે, ગ્રામ વિકાસ વિભાગના અધિક કમિશનર શ્રી બી એમ પ્રજાપતિ, ગાંધીનગરના કલેક્ટર શ્રી મેહુલ કે. દવે , જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે. પટેલે પણ વૃક્ષારોપણ કર્યું હતું.
આ વેળાએ ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ, રૂપાલ ગામના સરપંચ શ્રી વિલાસબેન ચાવડા,ગાંધીનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, રૂપાલના વરદાયિની માતા મંદિરના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ, ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનિઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા.