અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો જાહેર કર્યો

વોશિંગ્ટન, અમેરિકન ફેડરલ રિઝર્વે બુધવારે વ્યાજના દરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો જાહેર કર્યાે છે. આ સાથે અમેરિકામાં બેન્ચમાર્ક રેટ ૪.૨૫ ટકાથી ઘટીને ૪ ટકા થઈ ગયા છે.
ડિસેમ્બર ૨૦૨૪ પછીથી ફેડરલ રિઝર્વે સૌપ્રથમવાર વ્યાજદરમાં ઘટાડો કર્યાે છે. આ સાથે ફેડરલ રિઝર્વે ચાલુ વર્ષે વધુ બે રેટ કટની સંભાવના પણ દર્શાવી છે જેને પગલે ડાઉ જોન્સ ઈન્ડેક્સ ૪૫૦ પોઈન્ટ જેવો ઉછળી ગયો હતો. જોકે ત્યાર બાદ રેટ કટની અસર ઓસરી ગઈ હતી અને ડાઉ ૧૫૦ વધતો જોવાયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા પછીથી પ્રથમ રેટ કટ છે.
ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટીની મીટિંગ ૧૬-૧૭ના રોજ યોજાઈ હતી, જેના અંતે વ્યાજદરમાં ઘટાડાનો નિર્ણય લેવાયો હતો. ફુગાવાની ચિંતા વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું દબાણ કામ કરી ગયું તેમ નિષ્ણાતો માને છે. જોકે ફેડની કમિટીએ આ નિર્ણય ૧૧ વિરુદ્ધ ૧થી લીધો હતો, જે દર્શાવે છે કે વ્યાજદર ઘટાડા અંગે મોટાભાગે નિર્ણય સંમતિથી લેવાયો છે.
કમિટીએ સ્ટેટમેન્ટમાં કહ્યું કે ‘આર્થિક આઉટલૂક અંગે અનિશ્ચિતતા વધી છે’.ગત સપ્તાહે બેરોજગારીના ડેટા ખરાબ આવ્યા હતા જેણે લેબર માર્કેટમાં નરમાઈનો સંકેત આપ્યો હતો.
આથી ફુગાવો વધવા છતાં ફેડના વડા જેરોમ પોવેલે બેરોજગારાના ડેટાને ધ્યાનમાં લઈને વ્યાજદરમાં ઘટાડાનો નિર્ણય લીધો હતો. ફેડની રેટ કટની જાહેરાત અગાઉ અમેરિકન ડોલરમાં નરમાઈ જોવા મળી હતી અને ડોલર ઈન્ડેક્સ માર્ચ-૨૦૨૨ પછીથી સૌથી નીચી સપાટીએ સરક્યો હતો.SS1MS