ભારત-ઈયુ વેપાર ચર્ચા અંતિમ તબક્કામાં, વર્ષના અંતે એફટીએ સંભવ

નવી દિલ્હી, ભારત અને યુરોપીયન સંઘ વચ્ચે મુક્ત વેપાર કરાર (એફટીએ) માટેની ચર્ચા અંતિમ તબક્કામાં છે અને ચાલુ વર્ષના અંત સુધીમાં બંને વચ્ચે એફટીએ થવાની પ્રબળ શક્યતા છે. યુરોપીયન કમિશનના અધ્યક્ષ ઉરુસલા વોન ડેર લેયેને પીએમ મોદીને ૭૫માં જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી.
આ દરમિયાન થયેલી વાતચીતમાં બંને નેતાઓએ વહેલી તકે એફટીએની પ્રક્રિયા પૂર્ણ કરવા પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી હતી. ભારત અને ઈયુ વચ્ચે લાંબા સમયથી મુક્ત વેપાર કરાર અંગે વાટાઘાટ ચાલી રહી છે. હવે ચર્ચા અંતિમ ચરણમાં પહોંચી છે. ભારત અને ઈયુ વચ્ચે ૬થી ૧૦ ઓક્ટોબરના રોજ બ્રેસલ્સમાં એફટીએ માટે ૧૪મી વખત ચર્ચા હાથ ધરાશે.
ઈયુ કમિશનના પ્રેસિડેન્ટ ઉરુસલાએ પીએમને જન્મિદવસ પર શુભેચ્છા પાઠવી હતી અને સાથે જ ચાલુ વર્ષના અંતે બંને પક્ષો વચ્ચે એફટીએ સમજૂતિ થવાની આશા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન મોદીએ જન્મદિવસ પર શુભેચ્છા પાઠવવા બદલ તેમનો આભાર માન્યો હતો.ભારત અને યુરોપીયન સંઘ સાથે મળીને આગળનો રસ્તો નક્કી કરશે.
પીએમ મોદીએ ભારત સાથે જોડાણ માટે ઈયુએ અપનાવેલા નવા વ્યૂહાત્મક એજન્ડા બદલ કમિશનના અધ્યક્ષની પ્રશંસા કરી હતી. બંને પક્ષો વચ્ચે સુરક્ષા સહિતના ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ વધુ ઊંડો, વ્યાપક અને વધુ સારા સંકલન સાથે થાય તે નવા એજન્ડાનો ઉદ્દેશ રહેશે. ભારત-ઈયુ સંબંધોને આગળના સ્તરે લઈ જવા અમે તૈયાર છીએ. આ સંયુક્ત પ્રતિબદ્ધા, લક્ષ્ય અને જવાબદારી છે.
યુક્રેન યુદ્ધનો વહેલી તકે શાંતિપૂર્ણ ઉકેલ આવે તે માટે આપણે પ્રતિબદ્ધ છીએ, તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું. ભારત અને ઈયુ વચ્ચે વેપાર કરાર માટે નવી દિલ્હીમાં ગત સપ્તાહે ૧૩માં ચરણની વાતચીત યોજાઈ હતી.
યુરોપીયન સંઘ ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર છે અને દ્વિપક્ષીય વેપારની દૃષ્ટિએ ૨૦૨૩-૨૪મા ૧૩૫ અબજ યુએસ ડોલરનો વેપાર નોંધાયો હતો.
આ કરારમાં મૂળ નિયમો અને બજાર પ્રવેશ સહિતના કેટલાક મહત્વના મુદ્દાઓ પર ટૂંકમાં સહમતિ મેળવવામાં આવી શકે છે.ઈયુના ટોચના રાજદ્વારીએ બુધવારે જણાવ્યું કે, ભારતને રશિયા સાથે સંબંધો હોવાથી અને તે તેની પાસેથી ક્‰ડ ઓઈલ ખરીદતું હોવાના મુદ્દે બંને વચ્ચે ટ્રેડ ડીલમાં અવરોધ આવી શકે છે. ભારત અને રશિયા મોસ્કોમાં સંયુક્ત લશ્કરી અભ્યાસ પણ કરે છે.
ઈયુ ભારત સાથે વેપાર કરાર માટે ઉત્સુક છે અને રક્ષા સહિતના ક્ષેત્રે સહયોગ માટે તૈયારી દર્શાવી છે. સંબંધો વધુ ગાઢ બનાવવામાં આંતરરાષ્ટ્રીય પરિબળો પણ અસર કરે છે તેમ ઈયુ વિદેશ નીતિના વડા કલાસે જણાવ્યું હતું.SS1MS