Western Times News

Gujarati News

ઈઝરાયેલ પર ગાઝા યુદ્ધ રોકવા દબાણ, યુરોપિયન દેશો નવા ટેરિફ લાગુ કરી શકે

બ્રસેલ્સ, ઈઝરાયેલ પર ગાઝા વિસ્તારમાં યુદ્ધ સમાપ્ત કરવાનું દબાણ વધારવા યુરોપિયન યુનિયને આયોજન કર્યું છે. ઈઝરાયેલ પર અત્યાર સુધીના સૌથી વધુ આકરા પગલાં લેવા યુરોપિયન યુનિયને નવા ટેરિફ લાગુ કરવાનું વિચાર્યું છે.

ગાઝા વિસ્તારમાં ઈઝરાયેલની ટેન્કો, ડ્રોન અને સૈનિકો દ્વારા પેલેસ્ટાઈનવાસીઓને સ્થળાંતર કરવા ફરજ પડાઈ રહી છે. પેલેસ્ટાઈન-ઈઝરાયેલ વચ્ચે ૨૩ મહિનાથી ચાલી રહેલા યુદ્ધના પગલે ગાઝાવાસીઓએ દરિયા કિનારાની વધુને વધુ નજીક ખસવું પડે છે.

યુરોપિયન યુનિયનની વિદેશ નીતિના વડા કાજા કલ્લાસે સંઘના ૨૭ સભ્ય દેશોને કેટલાક ઈઝરાયેલી સામાન પર ટેરિફ વધારવા અને હમાસના ૧૦ નેતાઓ, ઈઝરાયેલના ૧૦ કેબિનેટ મંત્રીઓ પર પ્રતિબંધ મૂકવા ભલામણ કરી છે.

કાલ્લાસે આ અંગે જણાવ્યું હતું કે, ઈઝરાયેલ અથવા ઈઝરાયેલના લોકોને દંડ કરવાના હેતુથી નવા પગલાં લેવાની દરખાસ્ત કરી નથી. તેનો હેતુ ઈઝરાયેલ સરકારની નીતિ બદલવા અને ગાઝામાં માનવીય અત્યાચારો પૂરા કરવાનો છે. આ યુદ્ધ અને તેની યાતનાઓ પૂરી થવી જોઈએ તથા બંધકોને મુક્ત કરવા જોઈએ.

પ્રતિબંધિત જાહેર થયેલા લોકોની સંપત્તિ જપ્ત કરવા અને યુરોપ પ્રવાસ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ પણ કરાઈ છે. આ ભલામણો અંગે યુરોપિયન સંઘના ૨૭ દેશો પણ એક મત જણાતા નથી, જેથી બહુમતિ સભ્યો ઈઝરાયેલ પર દંડનાત્મક કાર્યવાહી માટે સંમત થશે કે નહીં તે કહેવું અઘરું છે.

યુરોપિયન સંઘના દેશોમાં બહુમતિ સધાય તો ઈઝરાયેલ પર ટેરિફના કારણે ૨૩૦ મિલિયન યુરોનો બોજ આવી શકે છે. સૂચવાયેલા પગલામાં ઈઝરાયેલના ૩૭ ટકા સામાન પર ટેરિફ વધારવાની દરખાસ્ત છે. ઈઝરાયેલ દ્વારા યુરોપમાં ૧૫.૯ અબજ યુરોની નિકાસ કરવામાં આવે છે.

હાલ યુરોપના દેશો દ્વારા ઈઝરાયેલના સામાન પર કોઈ ટેરિફ લેવાતી નથી. યુરોપના કેટલાક દેશોનું માનવું છે કે, માનવ અધિકારનો ભંગ કરી ઈઝરાયેલે યુરોપિયન સંઘ સાતેના કરારનું ઉલ્લંઘન કર્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.