માઓવાદીઓ ઝૂક્યાઃ સશસ્ત્ર સંઘર્ષ રોકવાની એકતરફી જાહેરાત કરી

નવી દિલ્હી, કેન્દ્ર સરકારને નક્સલવાદ સામેની લડાઈમાં મોટી સફળતા મળવાના સંકેત સાંપડી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૫મા જન્મદિવસના એક દિવસ પહેલા સીપીઆઈ(માઓવાદી) નામના નક્સલી સંગઠને અસ્થાયી ધોરણે શસ્ત્રવિરામની ઓફર કરી છે. જોકે, સરકારે પોતાની પ્રતિક્રિયામાં સાવચેતી રાખી અને કહ્યું કે નિવેદનની ખરાઈની તપાસ કરવામાં આવી રહી છે.
સીપીઆઈ(માઓવાદી)એ બે પેજના પત્રમાં શસ્ત્રવિરામને અસ્થાયી ધોરણે અટકાવવા અને કેન્દ્ર સરકારની સાથે શાંતિ માટેની વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે, હજુ આ પત્રની ખરાઈ થઈ શકી નથી.
નક્સલવાદી સંગઠનના કેન્દ્રીય પ્રવક્તા અભયે ૧૫મી ઓગસ્ટે એક પત્ર લખીને જાહેરાત કરી હતી કે સંગઠન એક મહિના સુધી હિંસા રોકવા તૈયાર છે અને સરકારને અપીલ કરે છે કે વાતચીત શરુ કરવા માટે એક સમિતિ બનાવવામાં આવે.આ માટે નક્સલી સંગઠનના પ્રવક્તાએ કેન્દ્ર સરકાર સાથે શાંતિસંવાદ માટે ઈમેઇલ આઈડી પણ જાહેર કર્યું છે.
જોકે, આ પત્ર મહિના પછી સામે આવ્યો છે. પ્રવક્તા અભયે સરકારને એક મહિના માટે શસ્ત્રવિરામ લાગુ કરવા વિનંતી કરી છે, જેથી જેલમાં કેદ નક્સલી નેતાઓને વિચારણામાં સામેલ કરી શકાય. ઉલ્લેખનીય છે કે આ વર્ષમાં હમણાં સુધી છત્તીસગઢમાં ૨૪૧ નક્સલવાદી માર્યા ગયા છે. જેમાં સગંઠનના મહામંત્રી બસવા રાજૂ, ચલપિત રેણુકા અને સુધાકર જેવા મોટા નેતા સામેલ છે.
છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં ૧૨ નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. જેમાંથી નવ નક્સલીઓ પર કુલ ૧૮ લાખ ઈનામ હતા. નારાયણપુરના પોલીસ સુપરિનટેન્ડેન્ટ રોબિન્સન ગુરિયાએ જણાવ્યું કે પાંચ મહિલા સહિત આ નક્સલવાદીઓએ આઈટીબીપીના અધિકારીઓની સામે આત્મસમર્પણ કર્યું છે.
આત્મસમર્પણ કરતી વખતે નક્સલવાદીઓએ કહ્યું કે ખોખલી માઓવાદી વિચારધારા, નિર્દાેષ આદિવાસીઓ પર નક્સલીઓ દ્વારા કરવામાં આવતા હત્યાચારો અને પ્રતિબંધિત સંગઠનોની અંદર વધી રહેલા આંતરિક મતભેદોથી નિરાશ છીએ, જેના કારણે આત્મસમર્પણ કર્યું છે.SS1MS