પાણી માટે માતા હીરાબાએ વેઠેલા સંઘર્ષ જોઈને પુત્રએ ગુજરાતને પાણીની સમસ્યાથી મુક્ત કરવાનો નિર્ધાર કર્યો હતો

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીના 75મા જન્મદિવસે માતૃગયા તીર્થ સિધ્ધપુરમાં નિર્મિત માતૃશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ કર્યું*
*માતૃશ્રી હીરાબા સરોવર એ રાષ્ટ્ર સેવા માટે સમર્પિત વડાપ્રધાનશ્રીનું સંસ્કાર સિંચન અને ઘડતર કરનારા માતા હીરાબાનું તેમના પુત્રના જન્મદિને શ્રેષ્ઠ ભાવસ્મરણ છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
* વડાપ્રધાનશ્રીએ પાણીને પારસમણિ અને વિકાસનો મુખ્ય આધાર બનાવીને જનશક્તિ ને જલશક્તિ સાથે જોડીને લોક ભાગીદારીથી સુદ્રઢ જળ વ્યવસ્થાપન કર્યુ છે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ પુરુષ અને યશસ્વી વડાપ્રધાન શ્રી મહેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસે માતૃગયા તીર્થ સિધ્ધપુરમાં નિર્મિત માતૃ શ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્ય સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા લોકમાતા સરસ્વતીના નવસર્જનની કામગીરી અંતર્ગત આ માતૃશ્રી હીરાબા સરોવરનું નિર્માણ થયું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનશક્તિને જલશક્તિ સાથે જોડીને જળ સંચય, જળ સિંચન તથા છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડી જન સુરક્ષા સુનિશ્ચિત કરવાના આપેલા વિઝનને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર આગળ ધપાવી રહી છે.
તદઅનુસાર, રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના ફુલીબા ટ્રસ્ટના સહયોગથી સરસ્વતી નદીના નવસર્જનની હાથ ધરાયેલી આ સફળ કામગીરીને પરિણામે માધુપાવડીયા ચેકડેમના નીચાણવાળા વિસ્તારોનું ધોવાણ અટકશે.
એટલું જ નહીં 450 લાખ ઘનફૂટથી વધુ પાણીનો સંગ્રહ થવાથી આસપાસના 150 હેક્ટર વિસ્તારને સિંચાઈનો પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ મળતો થશે. આ ઉપરાંત આજુબાજુના 20થી વધુ રિચાર્જ વેલના ભૂગર્ભ જળ પણ ઊંચા આવશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સિધ્ધપુરના જનપ્રતિનિધિ અને ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત તથા પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં માતૃશ્રી હીરાબા સરોવરનું આ લોકાર્પણ કર્યું હતું.
તેમણે રાષ્ટ્ર સેવા અને દરિદ્રનારાયણના ઉત્થાન માટે સદૈવ સમર્પિત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું સંસ્કાર સિંચન કરનારા તેમના માતા હીરાબાનું નામ આ સરોવર સાથે જોડવાના પ્રસંગને પુત્રના જન્મદિવસે માતાનું શ્રેષ્ઠ ભાવ સ્મરણ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રીએ પોતાના બાળપણમાં માતા હીરાબાને પાણી માટે સંઘર્ષ વેઠતા જોયા તેની વેદનામાંથી જ ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતને પાણીની સમસ્યાથી મુક્ત કરવાનો નિર્ધાર મુખ્યમંત્રી તરીકે તેમણે કર્યો હતો.
આ વિચારને વાસ્તવિક રૂપ આપવા ૨૦૦૫માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઋષિ પંચમીના પવિત્ર દિવસે લોકમાતા સરસ્વતીમાં પુણ્ય સલીલા નર્મદા અને સાબરમતી નદીના નીરનો જલાભિષેક સરસ્વતી નર્મદા મહા સંગમથી કર્યો હતો અને નદીઓના એકત્રિકરણના પ્રોજેક્ટની રાજ્યમાં પ્રથમ ઐતિહાસિક પહેલ કરાવી હતી તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
તેમણે જણાવ્યું કે, પાણીની સમસ્યાની ચિંતામાં વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ચિંતન ભળ્યું અને જળ સમસ્યાના કામ ચલાઉ ઉપાયોને બદલે કાયમી અને સમાજ હિતકારી ઉકેલની દિશા ખુલી.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, નરેન્દ્રભાઈ મોદીએ પાણીને પારસમણિ અને વિકાસનો મુખ્ય આધાર બનાવીને સુદ્રઢ જળ વ્યવસ્થાપન માટે લોક ભાગીદારીથી બોરીબંધ, ચેકડેમ, નદીઓના નવસર્જન જેવા કામોથી રાજ્યના ખૂણે ખૂણે ખેતી માટે અને પીવા માટે પાણી પહોંચાડ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, અભાવમાં પણ અર્થપૂર્ણ જીવન કેવી રીતે જીવી શકાય તેના જે સંસ્કાર માતા હીરાબાએ વડાપ્રધાનશ્રીને આપ્યા છે તેના જ પરિણામે જીવનની હરેક પળ છેવાડાના માનવીના કલ્યાણ માટે ખપાવી દેવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સમર્પિત છે.
તેમણે વડાપ્રધાનશ્રીએ માતાનું ઋણ સ્વિકાર કરવા ‘એક પેડ મા કે નામ’ અભિયાન, પાણીના સંચય અને સંગ્રહ માટે કેચ ધ રેઈન જેવા પર્યાવરણ લક્ષી અભિયાનોમાં જોડાવાનું પણ પ્રેરક આહવાન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, માતા હીરાબાએ વડાપ્રધાનશ્રીને આપેલા આત્મનિર્ભરતાના સંસ્કાર ઉજાગર કરતા તેઓ આત્મનિર્ભર ભારત માટે પ્રતિબદ્ધ છે અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગથી વોકલ ફોર લોકલને વેગ આપવાની તેમણે હાકલ પણ કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા આ બધા અભિયાનો સાકાર કરવાનો સંકલ્પ તેમના ૭૫મા દિવસે લેવાનું આહવાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું.
સિદ્ધપુરના ધારાસભ્ય શ્રી અને કેબિનેટ મંત્રી શ્રી બલવંત સિંહ રાજપૂતે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે અદભૂત સંયોગ રચાયો છે. માતૃતીર્થ ખાતે માતૃશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ એ સૌભાગ્યની તક છે. ૨૦૦૫માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરસ્વતી ,સાબરમતી અને નર્મદા ના નીર સિદ્ધપુરમાં લાવી ભગીરથ જેવું કાર્ય કર્યું હતું. સરસ્વતી નદીના નવ સર્જનને માતૃ શ્રી હીરા બા સરોવર નામ આપવા માટે અને સિદ્ધપુર નગરપાલિકાને ‘અ’ વર્ગની નગરપાલિકાનો દરજ્જો આપવા માટે તેમણે મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો હતો.
જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે, એક સમયે પાણીની અછત અને સતત દુષ્કાળની ઓળખ ધરાવતું ગુજરાત અને તેમાનું ઉત્તર ગુજરાતમાં ઉનાળામાં નદીઓ સૂકાઈ જતી હતી અને સિંચાઈની સુવિધા અત્યંત મર્યાદિત હોય એવી સ્થિતિને કારણે ખેડૂતોની હાલત દયનીય બનતી હતી.
આવા સમયે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ચિત્ર બદલવાનો સંકલ્પ કર્યો, જેના પરિણામે ગુજરાતે જળસંચય, સિંચાઈ અને જળવ્યવસ્થાપનમાં દેશભરમાં નવું ઉદાહરણ સ્થાપ્યું છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને પાણીના એક-એક ટીપાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા આહ્વાન કરી જળવ્યવસ્થાપનની દિશામાં નક્કર પગલાં ભર્યાં. ટપક સિંચાઈ, નર્મદાના પાણીનું કુશળ વ્યવસ્થાપન, તળાવોનું નવીનીકરણ, ખેતતળાવડીઓનું નિર્માણ, સુજલામ સુફલામ કેનાલો, ઉદ્વહન યોજનાઓ અને ડી-સિલ્ટીંગ જેવાં પગલાંઓએ ગુજરાતની ખેતીને નવી ઊંચાઈઓ આપી છે. ‘જળ એ જીવન પોષક’ના સૂત્રને ગુજરાતે સાકાર કર્યું હોવાનું જણાવ્યુ હતું.
આ પ્રસંગે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરા, સાંસદ શ્રી ભરત સિંહ ડાભી, ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, સચિવશ્રી પી.સી.વ્યાસ, જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ પટેલ, પદાધિકારી શ્રીઓ અધિકારી શ્રી ઓ, સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં સિદ્ધપુર અને આસપાસ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.