દીકરાને નોકરી અપાવવાના બહાને 22 લાખ પડાવી બાપને મરવા મજબૂર કરનાર બે ભેજાબાજોની ધરપકડ

પ્રતિકાત્મક
સુરત, છોકરાને નોકરી અપાવવાના બહાને ૨૨ લાખ રૂપિયાની લેતી-દેતી બાબતે એક પિતાને મરવા મજબૂર કરનાર બે ભેજાબાજોને મહિધરપુરા પોલીસે હાલ પકડી પાડ્યા છે.
આ બનાવમાં એક બાપે પોતાના દીકરાનું ભવિષ્ય બનાવવા માટે દાગીના વેચીને પરિમલ જરીવાલા અને અશોક રાણા નામના બે ઇસમોને ૧૮ લાખ રૂપિયા આપ્યા હતા, છતાં યુવકને નોકરી ન મળતા પિતાએ પોતાના પૈસા પરત માંગ્યા ત્યારે આરોપીઓ તેને ત્રાસ આપતા હતા, જેથી આ પિતાએ જીવન ટૂંકાવ્યું હતું. હાલ આ બંને આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા છે.
ઘટનાની વિગતવાર વાત કરીએ તો, સુરતના મહિધરપુરા વિસ્તારમાં એક ભોળા બાપને સુરતના બહેરામપુરા વિસ્તારમાં પરિમલ જરીવાલા (ઉંમર ૫૦) અને અશોક રાણા (ઉંમર ૪૮)એ દીકરાને જીસ્ઝ્રમાં નોકરી અપાવવાની લાલચ આપી ૨૨ લાખ માંગ્યા હતા, જે માટે પિતાએ ૧૮ લાખના સોનાના દાગીના વેચીને કુલ ૨૨ લાખ રૂપિયા આપી દીધા હતા. જે બાદ આ બંને આરોપીઓએ અન્ય એક અજાણ્યા શખ્સને આપ્યા હતા, જોકે દીકરાને નોકરી ન મળતા પિતાએ પોતાના પૈસા પરત માંગ્યા હતા. ત્યારે પરિમલ અને અશોક પૈસા આપવાની ના પાડી ત્રાસ આપતા હતા.
આવી રીતે આરોપીઓ અવારનવાર ધમકીઓ આપીને ગાળાગાળી કરીને બાપ-દીકરાને ત્રાસ આપતા હતા, દરમિયાન ગત ૩૦ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ પરિમલ જરીવાલા આ બાપ-દીકરાના ઘરે આવી પહોંચ્યો હતો અને પરિવાર સાથે અશિષ્ટ વર્તન કર્યું હતું. જેથી સતત માનસિક ત્રાસને કારણે પિતાએ ઝેરી દવા પીને મોતને વહાલું કર્યું હતું. જે બાદ મૃતક બાપના દીકરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત, ખાસ પોલીસ કમિશ્નર વાબાંગ જામીર, નાયબ પોલીસ કમિશ્નર રાઘવ જૈન તથા મદદનીશ પોલીસ કમિશ્નર આર.આર. આહિરના માર્ગદર્શન હેઠળ મહિધરપુરા સીનીયર પોલીસ ઈન્સ્પેક્ટર એન.એચ. બ્રહ્મભટ્ટ તથા સેકન્ડ ઈન્સ્પેક્ટર યુ.જે. જોષીના સૂચનાથી સર્વેલન્સ ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. જે દરમિયાન આરોપી પરિમલ ઉર્ફે પરેશ ઉર્ફે જાડીયો જશવંતલાલ જરીવાલા અને અશોક ઉર્ફે અશોક ડોકુ ચંપકલાલ રાણાની ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે, આરોપીઓની પૂછપરછમાં તેમનો ગુનાહિત ઈતિહાસ પણ સામે આવ્યો છે. જેમાં પરેશ જાડીયો સામે અગાઉ પણ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.
જ્યારે અશોક ડોકુ સામે અઠવાલાઈન્સ, મહિધરપુરા, સચીન, લાલગેટ અને ડ્ઢઝ્રમ્ સહિત અનેક પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન એક્ટ, અને અન્ય કલમો હેઠળ ૨૦થી વધુ ગુના નોંધાયેલા છે.
હાલ આ મામલે પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને માનવીય સૂત્રોના આધારે બંને આરોપીઓને ઝડપીને તેમના વિરુદ્ધ આત્મહત્યાના દુષ્પ્રેરણ સહિતની ગંભીર કલમો હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. તેવી માહિતી સુરત શહેર પોલીસ ઝોન ૩ના ડીસીપી રાઘવેન્દ્ર જૈને આપી છે.