સરગાસણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ: કરોડોનો પ્રોજેક્ટ ઓલિમ્પિક માટે રિજેક્ટ થયો

પ્લાનિંગમાં ઓલિમ્પિકસના ધોરણ જળવાયા નહીં હોવાથી બે વર્ષ પહેલા જ આ ઝટકો લાગ્યો છે.
ગુડા દ્વારા સરગાસણમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ પૂર્ણ થવામાં વિલંબ
ગાંધીનગર, ગુડા દ્વારા સરગાસણમાં સ્પોર્ટસ કોમ્પ્લેકસ બનાવવામાં આવી રહ્યું છે. હજી સુધી આ કાર્ય પુર્ણ થયું નથી. હવે વર્ષ ર૦ર૬માં જાન્યુઆરીના અંત સુધીમાં પ્રોજેકટ પુર્ણ થશે તેવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ સૌથી મોટો ફટકો એ પડ્યો છે કે, આટલા કરોડોના ખર્ચે બની રહેલા આ સ્પોર્ટસ કોમ્પલેક્ષને ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન દ્વારા રીજેકટ કરી દેવામાં આવ્યું છે. તેના પ્લાનિંગમાં ઓલિમ્પિકસના ધોરણ જળવાયા નહીં હોવાથી બે વર્ષ પહેલા જ આ ઝટકો લાગ્યો છે.
વર્ષ ર૦૩૬ના ઓલિમ્પિકની યજમાન માટે ભારતે સત્તાવાર મજબૂત દાવો કર્યો છે અને અમદાવાદ યજમાન શહેર રહેશે. જેને લઈને અમદાવાદની સાથે ગાંધીનગરમાં પણ અદ્યતન સ્પોર્ટસ કોમ્પલેક્સ બનાવવાનું આયોજન કરાયું હતું. ગુડાએ પણ ઓલિમ્પિક ગેમ્સને ધ્યાનમાં રાખીને જ જે તે સમયે સરગાસણ ર૬,૪૪૯ ચોમી જમીન વિસ્તારમાં સ્પોર્ટસ કોમ્પલેકસ બનાવવાનો નિર્ણય કર્યો હતો.
પરંતુ સ્પોર્ટસ કોમ્પલેક્ષસનો જે પ્લાન છે તે ઓલિમ્પિકના ધારાધોરણ મુજબ નથી તેવી વાત સામે આવતા જે કંઈ ઉત્સાહ હતો તે મરી પરવાર્યો. એટલું જ નહિ કરોડોના ખર્ચને પણ એક રીતે ફટકો લાગ્યો છે. વધુમાં હજુ સુધી આ કોમ્પલેક્સ તૈયાર નથી થઈ શક્યું. ગત ડિસેમ્બરમાં જ આ પ્રોજેકટ પુરો કરવાની મુદત હતી, પરંતુ એ પછી પણ વર્ષ ર૦રપના આઠ મહિના પુરા થઈ ગયા. અહીં વિવિધ ઈનડોર અને આઉટડોર ગેમ્સ રમી શકાય તે પ્રકારે આખા સંકુલની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે.