Western Times News

Gujarati News

ભારત અને વડાપ્રધાન મોદી સાથે ખૂબ નજીકના સંબંધ છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

File Photo

લંડન, બ્રિટનની મુલાકાતે ગયેલા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના સંબંધોની ફરી પુષ્ટી આપતાં જણાવ્યું હતું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ જ નજીક છે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર મંત્રણા ફરી ચાલુ થઈ છે ત્યારે ટ્રમ્પના આ નિવેદનનું વિશેષ મહત્ત્વ છે.

તેઓ બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે દ્વિપક્ષીય બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યાં હતાં.યુએસ પ્રેસિડન્ટે પીએમ મોદીને તેમના જન્મદિવસની પૂર્વસંધ્યાએ કરેલા ફોનનો પણ ઉલ્લેખ કર્યાે અને કહ્યું હતું તેમણે ભારતીય વડાપ્રધાન સાથે વાતચીત કરી હતી અને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

ટ્રમ્પે જણાવ્યું હતું કે જ્યારે મને ખબર પડી કે યુરોપિયન દેશો રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યાં છે, અને જેમ તમે જાણો છો, હું ભારતની ખૂબ નજીક છું. હું ભારતના વડાપ્રધાનની ખૂબ નજીક છું, ત્યારે મેં બીજા દિવસે તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે તેમની સાથે વાતચીત કરી હતી. અમારા સંબંધો ખૂબ સારા છે અને તેમણે એક સારું નિવેદન પણ આપ્યું હતું.

એલ્સબરીઃ બ્રિટનની મુલાકાતે ગયેલા ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે યુકે સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી અંગેના ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં. બ્રિટને શાહી શોભાયાત્રાથી ટ્રમ્પને પ્રભાવિત કરવા માટે શક્ય તમામ પ્રયાસો કર્યા હતાં, કારણ કે હવે અમેરિકા સાથે મહત્ત્વની વેપાર અને બિઝનેસ ડીલ થવાની છે.

ટ્રમ્પ અને બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે સોદા પર હસ્તાક્ષરની સાથે બિઝનેસ નેતાઓ સાથે ગોળમેજી બેઠક યોજી હતી. આ સમજૂથી બંને દેશો વચ્ચે ટેકનોલોજી રોકાણને પ્રોત્સાહન મળશે. તેમણે દ્વિપક્ષીય બેઠકો પણ યોજી હતી, જેમાં યુક્રેન અને ગાઝામાં યુદ્ધો તથા બ્રિટનથી આયાત થતા સ્ટીલ પર અમેરિકા દ્વારા નક્કી કરવામાં આવતા ટેરિફ દરો અંગે ચર્ચા થવાની અપેક્ષા હતી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકાવ્યું હોવાનો દાવો કર્યાે હતો.

બ્રિટનના વડાપ્રધાન કિઅર સ્ટાર્મર સાથે અહીં એક પત્રકાર પરિષદને સંબોધતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધનો અંત લાવવા મુદ્દે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમને સૌથી વધુ નિરાશ કર્યા છે.

જોકે ટ્રેડ ડીલ રોકવાની ધમકી આપીને તેઓ ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ રોકવામાં સફળ થયાં હતાં તેમ તેમણે જણાવ્યું હતું. ભારત અને પાકિસ્તાન એ બંને પરમાણુ હથિયારો ધરાવતાં દેશો છે. મેં તેમને કહ્યું કે જો તમારે અમારી સાથે વેપાર કરવો હશે તો તમારે અમારી વાત માનવી પડશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.