ગાંધીનગરના પથિકાશ્રમ બસ ડેપો ખાતે સઘન સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન

વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ગાંધીનગર બસ ડેપો ખાતે સ્વચ્છતા ઝુંબેશમાં શ્રમદાન કર્યું -પૂજ્ય બાપુના સ્વચ્છતા મહામંત્રને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જન જન સુધી પહોંચાડ્યો છે: અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી
ગાંધીનગર તા. ૧૭ સપ્ટેમ્બર-, વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ગાંધીનગરના પથિકાશ્રમ બસ ડેપો ખાતે સઘન સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કર્યું હતું. આ અભિયાનમાં ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ તથા અન્ય મહાનુભાવો પણ જોડાયા હતા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ૭૫માં જન્મદિનની સમગ્ર ગુજરાતની જનતા વતી શુભેચ્છાઓ પાઠવી અધ્યક્ષ શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે, પૂજ્ય ગાંધીબાપુએ સ્વચ્છતાનો મહામંત્ર ભારતવાસીઓને આપ્યો હતો,જેને જન જન સુધી પહોંચાડવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વ પહેલ કરી લોક જાગૃતિ લાવી છે.આજે આ ઝુંબેશ મહા જનઅભિયાન બન્યું છે. આજે ભારતવાસીઓને અનુભવાય છે કે,” સ્વચ્છતામાં રહેવું એ આપણો અધિકાર છે, સ્વચ્છ રહેવું અને જાહેર સ્વચ્છતા જાળવી રાખવી આપણી જવાબદારી છે. ”
પ્રધાનમંત્રીશ્રીએ ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સરકારના માધ્યમથી અનેક આયામો કર્યા, અનેક લોકજાગૃતિના કાર્યો કર્યા. તેમના બેટી બચાવો અભિયાન, શિક્ષણમાં શાળા પ્રવેશોત્સવ, જળસંચય, વૃક્ષારોપણમાં “એક પેડ માં કે નામ”, સ્વચ્છતા તેમજ સ્વદેશીપણાના વિચારોને પ્રજા માનસે અભિયાનરૂપે ઉપાડી લીધા. ત્યારે આવા યશસ્વી પ્રધાનમંત્રીશ્રીને જન્મદિને માં જગદંબા દીર્ઘાયુષ્ય આપે તેમજ ” शतम् जीवेम शरदः” તેમના માટે સાચા અર્થમાં સાર્થક થાય તેવી શુભેચ્છા અધ્યક્ષશ્રીએ પાઠવી હતી.
આ અભિયાનમાં ઉપસ્થિત સર્વેએ સ્વચ્છતા જાળવવાના અને અઠવાડિયામાં દર બે કલાક સ્વચ્છતા માટે શ્રમદાન કરવા સંકલ્પ કર્યો હતો.
સ્વચ્છોત્સવ અભિયાનમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ગૌરાંગ વ્યાસ, શાસક પક્ષના નેતા શ્રી અનિલ વાઘેલા, મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એન.વાઘેલા, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી તથા બહોળી સંખ્યામાં કર્મચારીઓ, સફાઈ કામદારો જોડાયા હતા.