સાઉદી અરબને પરમાણુ સક્ષમ બનાવશે પાકિસ્તાન

નવી દિલ્હી, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ જાહેરાત કરી છે કે જો જરૂર પડશે તો તેમનો પરમાણુ કાર્યક્રમ સાઉદી અરબને ઉપલબ્ધ કરાવવામાં આવશે. પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચે થયેલા નવા સંરક્ષણ કરાર હેઠળ આ વાત કહેવામાં આવી છે. ઇસ્લામાબાદે પહેલીવાર સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે તેણે પોતાની પરમાણુ ક્ષમતાઓ સાઉદી અરબ સુધી લંબાવી છે.
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે ગુરુવારે મોડી રાત્રે એક નિવેદન આપ્યું હતું. આ નિવેદન આ સપ્તાહે પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચે થયેલા સંરક્ષણ કરારના મહત્ત્વને દર્શાવે છે. નોંધનીય છે કે, બંને દેશો વચ્ચે ઘણા દાયકાઓથી મજબૂત સૈન્ય સંબંધો રહ્યા છે.વિશ્લેષકો માને છે કે આ પગલું ઇઝરાયલને સ્પષ્ટ સંદેશ આપવા માટે ભરવામાં આવ્યું છે.
ઇઝરાયલને ઘણા સમયથી મધ્યપૂર્વનો એકમાત્ર એવો દેશ ગણવામાં આવે છે જેની પાસે પરમાણુ હથિયારો છે. આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે ગયા અઠવાડિયે ઇઝરાયલે કતારમાં હમાસના નેતાઓ પર હુમલો કર્યાે હતો, જેમાં છ લોકોના મોત થયા હતા. આ ઘટના પછી, ખાડીના અરબ દેશોમાં પોતાની સુરક્ષા વિશે નવી ચિંતાઓ ઊભી થઈ છે.
આ બધાની વચ્ચે ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા ઇઝરાયલ-હમાસ યુદ્ધે સમગ્ર પ્રદેશમાં અસ્થિરતા વધારી દીધી છે.પાકિસ્તાની ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં આસિફને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, ‘શું પાકિસ્તાનને પરમાણુ હથિયારોથી મળતી તાકાત અને ડરાવવાની ક્ષમતા સાઉદી અરબને પણ મળશે? તેના પર આસિફે જવાબ આપ્યો, “હું પાકિસ્તાનની પરમાણુ ક્ષમતા વિશે એક વાત સ્પષ્ટ કરી દઉં. આ ક્ષમતા અમે ઘણા સમય પહેલા જ મેળવી લીધી હતી, જ્યારે અમે પરીક્ષણો કર્યા હતા.
ત્યારથી અમારી સેનાઓ યુદ્ધના મેદાન માટે પ્રશિક્ષિત છે.’ખ્વાજા આસિફે વધુમાં કહ્યું કે, ‘જે અમારી પાસે છે અને જે ક્ષમતાઓ અમે બનાવી છે, તે (સાઉદી અરબ)ને આ કરાર હેઠળ ઉપલબ્ધ કરાવાશે.’
બંને દેશોએ બુધવારે એક સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ એક દેશ પર હુમલો, બંને પર હુમલો ગણાશે. જોકે, અત્યાર સુધી પાકિસ્તાન કે સાઉદી અરબે આ કરાર પર સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી કે તેનો પાકિસ્તાનના પરમાણુ હથિયારો સુધી પહોંચ સાથે શું સંબંધ છે.SS1MS