વાસણા વિસ્તારમાં મંદિરો તોડી પડાતાં તંગદિલી
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા બુધવારે સવારે શહેરના વાસણા વિસ્તારમાં દબાણમાં આવતાં સાત જેટલા મંદિરો તોડી પાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં જબરદસ્ત આક્રોશ ફાટી નીકળ્યો હતો. મહિલાઓ, યુવાનો, બાળકો સહિત સૌકોઇ એક તબક્કે માર્ગો પર ઉતરી આવ્યા હતા અને બસો-વાહનો રોકી ટ્રાફિક ચક્કાજામ કર્યો હતો. જેના કારણે સમગ્ર વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયુ હતુ. રોષે ભરાયેલા લોકોએ અમ્યુકો સત્તાધીશો પર ઉગ્ર આક્રોશ ઠાલવતાં જણાવ્યું કે, હિન્દુ વિસ્તારમાં મંદિરો તોડવાની હિંમત કરો છો, તો મુસ્લિમ વિસ્તારમાં જઇ મસ્જિદો તોડી બતાવો તો ખરા કહીએ.
શહેરના કેટલાય વિસ્તારોમાં આજે પણ મસ્જિદો , દરગાહો રસ્તાની વચ્ચોવચ અને અંતરાય કે અડચણરૂપ હોવા છતાં તેને હટાવાતી નથી અને મંદિરો હટાવવાની વાતો કરો છો. તો વળી, કેટલીક મહિલાઓએ જારદાર રોષ ઠાલવ્યો કે, એક બાજુ, ભાજપ સરકાર રામમંદિર બનાવવાની સૂફિયાણી અને મોટી વાતો કરે છે અને બીજીબાજુ, અહીં ગુજરાતમાં તેની જ સરકાર હોવાછતાં
હિન્દુઓના મંદિરો તોડી શું સાબિત કરવા માંગે છે. વિફરેલા લોકોએ ખાસ કરીને મહિલાઓએ જે મંદિરો તોડયા તે પુનઃ નિર્માણ કરવાની ઉગ્ર માંગણી કરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના વાસણા વિસ્તારમાં આવેલી ભવાની નગર સોસાયટી ફ્લેટ પાસે આજે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જે દરમ્યાન વાસણાથી પાલડી જતાં રસ્તા પર દબાણમાં આવતાં ૭ જેટલા મંદિરો પણ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. જેના પગલે લોકોમાં જારદાર રોષ ફાટી નીકળ્યો હતો. મહિલાઓ, બાળકો અને યુવાનો સહિત ખૂબ મોટા સંખ્યામાં લોકોએ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને માર્ગો પર બસો-વાહનો રોકી ટ્રાફિક ચક્કાજામ કરી જારદાર વિરોધ પ્રદર્શન કર્યા હતા. વિવાદ વકરતાં સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
સ્થાનિક લોકોએ ખાસ કરીને મહિલાઓએ અમ્યુકો સત્તાધીશો પરત્વે ઉગ્ર આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, કોઇપણ પ્રકારની નોટિસ કે જાણ કર્યા વિના આ પ્રકારે અચાનક વર્ષો જૂના મંદિરો તોડી પાડવા કોઇપણ રીતે યોગ્ય ન્યાયોચિત નથી. આ વિસ્તાર અને આસપાસના વિસ્તારના લોકો આ મંદિરોમાં દર્શનાર્થે આવતાં હતા અને લોકો પોતાની માનતા-બાધા પણ રાખતા હતા ત્યારે અમ્યુકોના આવા અચાનક નિર્ણયથી લોકોની ધાર્મિક આસ્થા બહુ દુભાઇ છે, અમ્યુકોએ તોડી પાડેલા આ મંદિરો તાકીદે પુનઃનિર્માણ કરી આપવા જાઇએ. કેટલાક સ્થાનિક રહીશોએ અમ્યુકોના સ્ટાફ દ્વારા તેઓની પર હુમલો કરાયો અને ઇજા પહોંચાડાઇ હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા.