આડાસંબંધના વહેમમાં પત્નીએ ચપ્પાના ઘા ઝીંકી કથિત પ્રેમિકાની હત્યા કરી

આણંદ, આણંદ તાલુકાના ઓડ તાબે આવેલા કણભઈપુરા ગામે ગઈકાલ રાતે પતિ સાથે આડાસંબંધના વહેમમાં પત્નીએ કથિત પ્રેમિકાની ચપ્પાના ઘા મારી હત્યા કરી નાખી હતી.
ઉશ્કેરાયેલી પત્નીએ બાળકીને પણ ચપ્પાના ઘા મારી દેતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે ખંભોળજ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કણભઈપુરા ગામમાં દૂધની ડેરી નજીક રહેતા અશોકભાઈ ઠાકોર ગુલાબની મજૂરીકામ અર્થે જતા હતા. જ્યાં ફળિયાના મીનાબેન ઠાકોર સહિત અન્ય મહિલાઓ પણ મજૂરીકામ અર્થે આવતી હોવાથી અશોકભાઈના પત્ની ગાયત્રીબેનને પતિ અશોકભાઈને મીનાબેન સાથે આડોસંબંધ હોવાનો વહેમ હતો. આ બાબતને લઈ પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ પણ થતા હતા.
દરમિયાન ગઈકાલ રાત્રિના સુમારે તકરાર થતા ઉશ્કેરાઈ ગયેલા ગાયત્રીબે ચપ્પુ લઈને મીનાબેન ઠાકોરના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં મીનાબેન ઉપર હુમલો કરી પેટ અને છાતીના ભાગે ચપ્પાના ઘા ઝીંકી દેતા મીનાબેન લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઈ પડયા હતા.
ઝઘડામાં મીનાબેનના સસરા ગોરધનભાઈ તથા સાત વર્ષની દીકરી દિશા વચ્ચે પડતા તેણીને પણ ચપ્પાના ઘા વાગતા તેઓ ઇજાગ્રત થયા હતા.
આ ઘટનાને લઇ બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત ત્રણેયને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મીનાબેન ઠાકોરને મૃત જાહેર કર્યા હતા. જાણ થતા ખંભોળજ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ગાયત્રીબેન અશોકભાઈ ઠાકોર વિરુદ્ધ હત્યાનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.SS1MS