કુટેવોથી કંટાળી લાકડીના ફટકા મારી પિતાએ જ પુત્રને પતાવી દીધો

આણંદ, આણંદ શહેરના ઈસ્માઈલ નગર નજીકના ઉમરીનગર વિસ્તારમાં પુત્રની હરકતો અને કુટેવોથી કંટાળી ગયેલા પિતાએ પુત્રના માથાના ભાગે લાકડી મારી તેની હત્યા કરી નાખતા ભારે ચકચાર મચી ગઈ હતી. આણંદ શહેરના ઉમરીનગર વિસ્તારમાં રહેતો યાસીન ઉર્ફે ગબલો અબ્દુલશા દિવાન છેલ્લા કેટલાક સમયથી અવળા રવાડે ચડી ગયો હતો.
અસામાજિક પ્રવૃત્તિઓ તરફ તે વળી જતા અવારનવાર માતા-પિતા દ્વારા તેને ઠપકો આપવામાં આવતો હતો પરંતુ, તે સુધારવાનું નામ લેતો નહોતો. ગઈકાલ રાત્રિના સુમારે યાસીન ઉર્ફે ગબલો નશો કરીને ઘરે આવી માતા સાથે ઝઘડો કર્યાે હતો.
ભારે બુમાબૂમ થતા આસપાસના રહીશોએ ઘટના સ્થળે જઈ મામલો થાળે પાડયો હતો. બાદમાં આજે પણ સવારના સુમારે યાસીન ઉર્ફે ગબલાએ ઘરે ઝઘડો કરતા પિતા અબ્દુલશા દિવાન ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડી લઈ યાસીનના માથાના ભાગે મારી દેતા તે લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડયો હતો.
આ ઘટનાને લઇ સ્થાનિકો દોડી આવી ઇજાગ્રસ્ત યાસીનને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે તેનું મોત થયું હતું. આ ઘટનાની જાણ આણંદ શહેર પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
યાસીન ઉર્ફે ગબલો છેલ્લા કેટલાક સમયથી અસામાજિક પ્રવૃત્તિઓ તરફ વળ્યો હતો. જેની જાણ માતા-પિતાને થતા તેઓએ ઠપકો આપ્યો હતો પરંતુ પુત્ર સુધર્યાે ન હતો. તેથી પિતાએ આ અંગે પોલીસને પણ જાણ કરી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. હત્યા બાદ માતા અને પિતા પોલીસ મથકે જાતે જ હાજર થયા હોવાનું જાણવા મળ્યું છે.SS1MS