‘શક્તિ શાલિની’માં ‘સૈયારા’ સ્ટાર અનીત પડ્ડાને લીડ રોલ ઓફર થયો નથી

મુંબઈ, જ્યારથી ૨૦૧૮માં દિનેશ વિજાનના મેડોક ફિલ્મ્સની ‘સ્ત્રી’ સફળ થઈ ત્યારથી હોરર કોમેડી જોનર ચર્ચામાં રહ્યો છે. ત્યાર પછી તો મેડોકના હોરર કોમેડી યુનિવર્સમાં ‘ભેડિયા’, ‘મુંજ્યા’ અને ‘સ્ત્રી ૨’ આવી અને આ યુનિવર્સ વિસ્તરતું રહ્યું છે. તેના કારણે તેની આવનારી ફિલ્મ વિશે પણ ઘણી આતુરતા અને ચર્ચા રહે છે.
ત્યારે તાજેતરમાં એવા અહેવાલો ફરતા થયા હતા કે ‘સૈયારા’ સ્ટાર અનીત પડ્ડા મેડોકની આવનારી હોરર કોમેડી ફિલ્મ ‘શક્તિ શાલિની’માં લીડ રોલમાં જોવા મળશે.
સૂત્રો આધારીત અહેવાલોમાં કહેવાયું હતું, “દિનેશ વિજાન પોતાના યુનિવર્સમાં કેટલીક નવી તાકાત અને શક્તિશાળી પાત્રો ઉમેરવા માગતા હતા અને અનીત પડ્ડા છેલ્લા બે મહિનાથી તેમની સાથે ચર્ચામાં હતી. તેમને સૈયારામાં અનીતનું કામ ગમ્યું હતું. તેથી તેઓ તેમના હોરર કોમેડીના આગામી પ્રકરણમાં અનીત સાથે આગળ વધવા માગતા હતા.”
આ અહેવાલોમાં એવો પણ દાવો કરાયો હતો કે ૨૦૨૫ના અંત સુધીમાં શક્તિ શાલિનીનું કામ શરૂ થઈ જશે. મુંજ્યા ડિરેક્ટ કરનાર આદિત્ય સારપોતદાર આ ફિલ્મ ડિરેક્ટ કરશે અથવા તો ટબ્બર ડિરેક્ટ કરનાર અજિતપાલ સિંઘ પણ ચર્ચામાં છે એવી પણ વાત હતી.
જોકે, મેડોક ફિલ્મ્સે આ બધાં જ દાવાઓ અને અહેવાલોને ફગાવી દીધા છે. તેમણે ઓફિશિયલ પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી છે કે આ બધી જ માત્ર ધારણાઓ અને અફવાઓ છે.
મેડોક ફિલ્મ્સના સોશિયલ મીડિયા પેજ પર એક નિવેદન જાહેર કરાયું છે, જેમાં લખ્યું છે, “અમે હોરર કોમેડી યુનિવર્સ આસપાસની ઉત્સુકતા સમજી શકીએ છીએ, પરંતુ અમે એ સ્પષ્ટ કરવા માગીએ છીએ કે અમારી આવનારી ફિલ્મ શક્તિ શાલિની કે મહા મુંજ્યાના કાસ્ટિંગ બાબતના કોઈ પણ અહેવાલો માત્ર ધારણાઓ છે.
અમે માધ્યમોને આ ખોટી માહિતીને અવગણવા અને અમારી ઓફિશીયલ જાહેરાત માટે રાહ જોવા અપીલ કરીએ છીએ.”જોકે, આ સ્પષ્ટતા પુરાવો છે કે શક્તિ શાલિની બાબતે હજુ કોઈનું પણ કાસ્ટિંગ પાક્કું થયું નથી. હવે ફૅન્સે મેડોક ફિલ્મ્સની ઓફિશીયલ જાહેરાત માટે રાહ જોવી પડશે. પછી ખ્યાલ આવશે કે આ ફિલ્મમાં લીડ કલાકારો અને ડિરેક્ટર કોણ હશે.
આ અહેવાલોમાં એવી પણ વાત હતી કે, શક્તિ શાલિની માટે ઘણા કલાકારો રેસમાં હતાં, પરંતુ છેલ્લે અનીત નક્કી થઈ હતી. હાલ દિનેશ વિજાન આયુષ્યમાન ખુરાના અને રશ્મિકા મંદાના સાથે થામાને દિવાળી પર રિલીઝ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે.
તેના પછી શક્તિ શાલિની પર કામ શરૂ થશે. એટલું જ નહીં, તેઓ આલિયા ભટ્ટ સાથે ‘ચામુંડા’ની પણ તૈયારી કરી રહ્યા છે, જે મે ૨૦૨૬માં શરૂ થશે. એક વખત આલિયા સંજય લીલા ભણસાલી સાથે ‘લવ એન્ડ વાર’નું કામ પુરું કરે પછી તે આ ફિલ્મનું કામ શરૂ કરશે.
જોકે, કેટલાક લોકોનો એવો પણ દાવો છે કે આ અહેવાલો ખોટા નથી, પરંતુ મેડોક ફિલ્મ્સ શ્રાદ્ધ પક્ષમાં કોઈ જાહેરાત કરવા માગતું નથી, તેથી તેઓ આ અહેવાલોને અફવા ગણાવી રહ્યા છે.SS1MS