Western Times News

Gujarati News

શિઝુઓકા અને હામામાત્સુ જાન્યુઆરી ૨૦૨૬માં મેગા જાપાન ફેસ્ટિવલમાં ભાગ લેશે

પતંગસંગીત અને ભોજન મુખ્ય આકર્ષણ રહેશે – ગુજરાત ગુડવિલ ડેલિગેશનનું ભારત- હામામાત્સુ ફેસ્ટિવલમાં અને શિઝુઓકાના ગવર્નર અને હામામાત્સુ મેયર દ્રારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું

Ahmedabad,  ઇન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન (આઈજેએફએ) ગુજરાત અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)ના નેતૃત્વમાં ગુડવિલ ડેલિગેશને સુઝુકી મોટર કોર્પોરેશન દ્રારા  આયોજિત ભારત-હામામાત્સુ ફેસ્ટિવલમાં ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.

શિઝુઓકાના ગવર્નર શ્રી યાસુતોમો સુઝુકી અને હમામાત્સુના મેયર શ્રી યુસુકે નાકાનોએ લંચ અને ડિનર રિસેપ્શનનું આયોજન કરીને પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, જેમાં વ્યવસાય, ઉદ્યોગ અને વ્યવસાયના નેતાઓ અને કલા, સંસ્કૃતિ અને શિક્ષણ ક્ષેત્રના અગ્રણી અને સુપ્રતિષ્ઠિત વ્યક્તિઓએ જોડાયા હતા.

ગુજરાતી ગરબા અને રાસે જાપાનીઓના દિલ જીત્યા

ગુજરાતના મહિલા પ્રતિનિધિઓએ સાંસ્કૃતિક મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતી ગરબા અને રાસના જીવંત પ્રદર્શન રજૂ કર્યા, જેણે જાપાની સમુદાયની પ્રશંસા તો જીતી જ, પરંતુ તેમને હમામાત્સુની શેરીઓમાં ઉત્સાહ અને ઉમંગ સાથે આ નૃત્યોમાં જોડાવા માટે પણ પ્રોત્સાહિત કર્યા. સુઝુકી મોટર્સ કોર્પોરેશનના પ્રમુખ શ્રી તોશીહિરો સુઝુકીએ પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

ગુજરાત અને જાપાન વચ્ચેના સંબંધો મજબૂત થશે

ગુજરાતમાં જાપાનના માનદ કોન્સલ શ્રી મુકેશ પટેલ અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખે “કેમ છે – કોન્નીચીવા – બ્રિજિંગ કલ્ચર્સ, કનેક્ટિંગ હાર્ટ્સ” થીમ પર એક ખાસ સ્નેહમિલનનું આયોજન કર્યું હતું, જેમાં ગુજરાતના ઇન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશનની સુવર્ણ જયંતિની ઉજવણી કરવામાં આવી અને શીઝુઓકા અને ગુજરાત વચ્ચેના સિસ્ટર સ્ટેટ સંબંધો તથા હામામાત્સુ અને અમદાવાદ વચ્ચેની સિસ્ટર સિટી સંબંધોની વાત કરવામાં આવી હતી.

ભારતમાં જાપાનના ભૂતપૂર્વ રાજદૂત શ્રી હિદેકી ડોમિચીએ પણ સભાને સંબોધિત કરતા તેમણે માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને ૨૦૦૭થી ભારતીય-જાપાની સંબંધોને પ્રોત્સાહન આપવાના તેમના સતત પ્રયાસોની પ્રશંસા કરી હતી. ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગના મુખ્ય સચિવ શ્રીમતી મમતા વર્માએ ૨૦૨૫-૨૬માં યોજાનારી પ્રાદેશિક વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં જાપાની ઉદ્યોગ સાહસિકોને ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.

જાન્યુઆરી ૨૦૨૬માં પતંગસંગીત અને માચા ફૂડ ફેસ્ટિવલ

આઈજેએફએ ગુજરાતના શ્રી મુકેશ પટેલે જાન્યુઆરી ૨૦૨૬માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને સંગીત અને ફૂડ ફેસ્ટિવલમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. શ્રી મુકેશ પટેલના આમંત્રણના જવાબમાં, મેયર અને ગવર્નર બંનેએ તેને ખુશીથી સ્વીકારતાં જાન્યુઆરી ૨૦૨૬માં મેગા જાપાન ફેસ્ટિવલમાં સક્રિયપણે ભાગ લેવા સંમતિ આપી હતી. હામામાત્સુ શહેર પતંગ અને સંગીતના શહેર તરીકે પ્રખ્યાત છે.

મેયર નાકાનોએ ઉત્તરાયણની આસપાસ પતંગ અને સંગીત મહોત્સવ બંનેની ઉજવણી કરવા માટે અમદાવાદમાં એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા સંમતિ આપી હતી. ગવર્નર સુઝુકીએ પણ માચા (ગ્રીન ટી) ફૂડ ફેસ્ટિવલમાં જોડાવા માટે તેમજ ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કરીને આર્થિક સહકાર માટેના સેમિનારમાં ભાગ લેવા માટે સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.