ચોટીલા પદયાત્રાએ જતા લોકોને અજાણ્યા વાહનો ટક્કર મારતા બેના મોત

પ્રતિકાત્મક
બંને પદયાત્રીને સારવાર અર્થે સાયલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ ગંભીર ઈજાના બંનેના મોત
સાયલા, સાયલા-લીંબડી હાઈવે પર (૨૧ સપ્ટેમ્બર) છેલ્લા ૧૮ કલાકમાં અલગ-અલગ અકસ્માતની ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે કુલ ૧૩ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. એક ઘટનામાં, ચોટીલા પદયાત્રાએ જતાં ચીમનભાઈ ભીખાભાઈ પરમાર અને ભરતભાઈ રતનભાઇ રાઠોડને સાયલા પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં બંનેને ગંભીર ઈજા પહોંચી હતી.
બંને પદયાત્રીને સારવાર અર્થે સાયલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ પછી ઈજાગ્રસ્તોને સુરેન્દ્રનગર રિફર કર્યા હતા, પરંતુ ગંભીર ઈજાના કારણે બંનેના મોત નીપજ્યા હતા.
બીજી અકસ્માતની ઘટનામાં, સાયલા-લીંબડી હાઇવે પર આવેલા ફૂલગ્રામ પાસે બની હતી. જેમાં મુળી તાલુકામાં મજૂરીકામ માટે જતાં દાહોદના શ્રમિક લોકોના વાહનને અકસ્માત નડ્યો હતો. જેમાં બાળકો-મહિલા સહિતના લોકો લઈને જતાં વાહનને બેફામ ડમ્પર ચાલકે અડફેટે લેતા તમામ નાની-મોટી ઈજાઓ થઈ હતી. આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. મૃતક મહિલાના મૃતદેહને પીએમ અર્થે સાયલા સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, તમામ લોકો દાહોદના ધાનપુર, પાવા, રયાવાડ ગામના હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસ સ્થળ પર દોડી પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અકસ્માત બાબતે વધુ તપાસ જોરાવર નગર પોલીસ કરી રહી છે.
ઈજાગ્રસ્તના નામ
– બ્રીજ દેવાભાઈ પલાસ (ઉં.વ.૩)
– બબીબેન બાદલભાઈ સંઘોડ (ઉં.વ.૩૮)
– રવિભાઈ પ્રદીપભાઈ પલાસ (ઉં.વ.૫)
– પ્રકાશભાઈ ફકરૂ ભાઈ (ઉં.વ.૨૦)
– પંકજભાઈ નરસિંહભાઈ પરમાર (ઉં.વ.૨૫)
– મંજુબેન પ્રદીપભાઈ (ઉં.વ.૨૦)
– વર્ષાબેન અશ્વિનભાઈ પરમાર (ઉં.વ.૨૦)
– સુમિત્રાબેન દેવુભાઈ (ઉં.વ.૩૪)
– દેવાભાઈ વરિયાભાઈ (ઉં.વ.૩૫)
– દશા બેન ઈલેશભાઈ (ઉં.વ.૨૨)
– પિયુષ મુકેશભાઈ પરમાર (ઉં.વ.૨૮)
– રેણુકા ફકરુભાઈ (ઉં.વ.૧૨)
– વિક્રમભાઈ ફકરૂ ભાઈ (ઉં.વ.૧૨)