બેંક રેગ્યુલેશન એક્ટમાં સુધારાને મંજુરી
નવી દિલ્હી: તમામ થાપણદારોના હિતોનું રક્ષણ કરવાના ઇરાદા સાથે કેન્દ્રીય કેબિનેટે આજે બેંકિંગ રેગ્યુલેશન એક્ટમાં સુધારાને લીલીઝંડી આપી હતી. આના પરિણામ સ્વરુપે કો-ઓપરેટિવ બેંકોની સ્થિતિ વધારે મજબૂત થશે. સાથે સાથે પીએમસી બેંક જેવી કટોકટીને રોકી શકાશે. કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી.
જાવડેકરે કેબિનેટ નિર્ણયો અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે,સૂચિત કાયદામાં કો-ઓપરેટિવ બેંકોમાં આરબીઆઈના બેંકિંગ ધારાધોરણ સંબંધિત માર્ગદર્શિકાને લાગૂ કરવાની વાત કરવામાં આવી છે જ્યારે વહીવટી મુદ્દાઓને રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટિવ દ્વારા હાથ ધરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, ૮૬ મિલિયનના ડિપોઝિટર બેઝની સાથે ૧૫૪૦ કો-ઓપરેટિવ બેંકો રહેલી છે જેમાં પાંચ ટ્રિલિયન રૂપિયાથી વધુની કુલ બચત રહેલી છે.
તેમણે ઠેરવ્યું હતું કે, આ ફેરફારના પરિણામ સ્વરુપે ફાઈનાન્સિયલ સ્થિરતા વધુ મજબૂત થશે. કો-ઓપરેટિવ બેંકોના સીઇઓની નિમણૂંક કરવા માટે લાયકાત નક્કી કરવામાં આવશે. આરબીઆઈની પરવાનગી કોમર્શિયલ બેંકોના કેસમાં નિયમ મુજબ નિમણૂંક પહેલા લેવામાં આવશે. આરબીઆઈના માર્ગદર્શન મુજબ જ ઓડિટની પ્રક્રિયા હાથ ધરાશે.
જા કોઇ કો-ઓપરેટિવ બેંક દબાણ હેઠળ હશે તો સેન્ટ્રલ બેંક બોર્ડના નિર્ણયને અસ્વિકાર કરી શકશે. કો-ઓપરેટિવ બેંકોને તબક્કાવારરીતે આરબીઆઈની માર્ગદર્શિકા પાળવા સમય આપવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારામને શનિવારના દિવસે બજેટ રજૂ કરતી વેળા આ અંગેની જાહેરાત કરી હતી. બજેટ ૨૦૨૦-૨૧માં સીતારામને કહ્યું હતુ કે, કો-ઓપરેટિવ બેંકોને મજબૂત કરવા માટે બેંકિંગ રેગ્યુલેશન એક્ટમાં સુધારા કરવામાં આવી રહ્યા છે.