અંબાજીમાં ધારાસભ્ય કાંતિ ખરાડી બનાસકાંઠાના એસ.પી. સામ સામે આવી ગયા!

બનાસકાંઠાના અંબાજી ખાતે અસરગ્રસ્ત વિસ્તાર રબારીવાસની મુલાકાત લેવા માટે કોંગ્રેસના ધારાસભ્ય કાન્તિ ખરાડી, સાંસદ ગેનીબહેન ઠાકોર,ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને લાલજી દેસાઈ પહોંચ્યા હતા.
એ વખતે જ ત્યાં બનાસકાંઠાના જિલ્લા પોલીસ વડા પણ પહોંચી ગયા.હવે બન્યું એવું કે કાંતિ ખરાડીએ જરા આક્રોશથી એવું કહ્યું કે રબારીવાસના અસરગ્રસ્તોને યોગ્ય સહાય નહીં મળે તો ભાજપના કોઈ મંત્રીને અંબાજીમાં પ્રવેશવા નહીં દઇએ.
આ સાંભળીને ૨૦૧૫ની બેચના આઇપીએસ અધિકારી અને બનાસકાંઠાના એસ.પી. પ્રશાંત શુંબે ઉકળી ઉઠ્યા હતા અને ખરાડી સાથે ગરમગરમ ચર્ચા પર ઉતરી આવ્યા હતા. એ ઝઘડાનું દ્રશ્ય જોનારા લોકો કહે છે કે પ્રજાએ ચૂંટેલા ધારાસભ્ય સાથે બનાસકાંઠાના એસ.પી. પ્રશાંતનુ વર્તન તેમના હોદ્દાને છાજે એવું પરિપક્વ તો નહોતું જ.
મંત્રીએ આઈ.એ.એસ. અધિકારીના કોન્ફીડેન્સીયલ રીપોર્ટ (સી.આર.)બગાડ્યા પણ……?
જરાય સાચું માનવાનું મન ન થાય એવી એક વાત એ બહાર આવી છે કે વર્તમાન મંત્રીમંડળના એક મંત્રીએ પોતાની કોઈ વાત ન માનતા એક આઈ.એ.એસ. અધિકારીના કોન્ફીડેન્સીયલ રીપોર્ટ(સી.આર.)માં તેમની વિરુદ્ધ નોંધ લખી હતી. સરકારી ભાષામાં તેને સી.આર.બગાડ્યા કહેવામાં આવે છે.
પણ મંત્રીના આ હિંમતપૂર્ણ પગલાંનું કોઈ પરીણામ ન આવ્યું.એ પગલું વાંઝીયુ સાબિત થયું.જે સનદી અધિકારીના ખાનગી અહેવાલ મંત્રીએ બગાડ્યા હતાં તેમણે પોતાની વગ વાપરીને, ઉચ્ચ કક્ષાએ પોતાની રજુઆત કરીને સી.આર.સુધરાવી લીધા અને મંત્રીએ કરેલ કાર્યવાહી પર પાણી ફેરવી નાખ્યું!આ સૂચવે છે કે સરકારમાં પદાધિકારીઓ કરતા અધિકારીઓનું વધારે વજન પડે છે!
સરકાર મેં ઐસા ભી હોતા હૈ!
ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળના કાર્યવાહક અધ્યક્ષની નિમણૂક
ગુજરાત સરકારનાં બોર્ડ – કોર્પોરેશનમાં પદાધિકારીઓની નિમણૂંક ક્યારે થશે તે અંગે કોઈ જ દિશાનિર્દેશ નથી તે પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે શિક્ષણ વિભાગના તા.૧૮/૦૮/૨૫ના ઠરાવક્રમાંકઃઉંડી/એમઆઈએસ/ઈ-ફાઈલ/૩/૨૦૨૨/૪૩૯૪/છથી ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળના કાર્યવાહક અધ્યક્ષ અને બિનસરકારી સભ્યોની ચૂપચાપ નિમણૂક કરી દીધી છે.
કાર્યવાહક અધ્યક્ષ તરીકે મનુભાઈ ભગવાનભાઈ પાવરા તથા બિનસરકારી સભ્યો તરીકે અનિલ રાવલ,જિજ્ઞેશ સોની, ભાવેશ રાવલ, દેવાંગ મહેતાની નિમણુંક કરવામાં આવી છે.આ તમામ લોકોને પોતાની નિમણૂક અંગે ભરપૂર આશ્ચર્ય થયું છે.કારણ કે આ નિમણૂક અંગેની કોઈ માહિતી તેમની પાસે નહોતી કે ભૂતકાળમાં તેઓને આ અંગે કશુ પૂછાયું નહોતું.
ભા.જ.પ.ના ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાએ પોતે મેડિકલ કોલેજ મેળવી લીધી!
ભા.જ.પ.ના નેતા અને કાર્યકર્તાઓ કેવા પાવરધા થઈ ગયા છે તેનો એક દાખલો હમણાં સામે આવ્યો છે. રાજકોટ જિલ્લાના નાનકડા ગામ આટકોટમાં આવેલી અને ભારતીય જનતા પક્ષના ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા દ્વારા સંચાલિત કે.ડી.પરવાડિયા હોસ્પિટલ ખાતે ૧૫૦ સીટની મેડિકલ કોલેજ ચલાવવાની મંજૂરી ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ તરફથી આપી દેવામાં આવી છે.
માતુશ્રી પ્રભાબહેન ખોડાભાઇ બોઘરા મેડિકલ કોલેજ અને રીસર્ચ સેન્ટરને એમ.બી. બી. એસ.નુ પ્રથમ વર્ષ ૧૫૦ વિદ્યાર્થીઓ સાથે શરૂ કરવા માટે આ મંજૂરી આપવામાં આવી છે.
ભરત બોઘરાએ પક્ષના સંગઠનમાં રહીને આ રીતે પોતાનું એક માતબર કામ સત્તાધીશો પાસે કઢાવી લીધું છે.આ માટે બોઘરાએ નરેન્દ્ર મોદી,સી. આર. પાટિલનો આભાર પણ માન્યો છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ટ્રેનમાં બેસીને મુંબઈ ગયા!
ગુજરાતને રાજ્યપાલ પણ વૈવિધ્યસભર મળતાં રહ્યાં છે.ચોથા રાજ્યપાલ ડો.શ્રીમન્નારાયણ ઘંટલામા જાતે અનાજ દળતા એવું કહેવાતું.બારમા રાજ્યપાલ સ્વરૂપસિંહ અંગ્રેજી સાહિત્યના શોખીન હતા
અને સમરસજ્ઞ મિત્રોને ચર્ચા માટે રાજભવન બોલાવતા એવું ય સાંભળ્યું છે.ઓમપ્રકાશ કોહલીએ રાજભવનને ખુલ્લું મુકી દીધું હતું.કોહલી રાજ્યપાલ બન્યા ખરાં પણ કાર્યકર ક્યારેય ન મટ્યા.એ પરંપરામાં બેસે એવું એક પગલું વર્તમાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લીધું છે.બન્યુ એવું કે સી.પી.રાધાકૃષ્ણન ભારતના ઉપરાષ્ટ્રપતિપદે ચૂંટાતા તેઓએ મહારાષ્ટ્રના રાજ્યપાલપદેથી રાજીનામું આપ્યું અને તે પદનો ચાર્જ આચાર્ય દેવવ્રતને સોંપાયો.
એ જવાબદારી સ્વીકારવા મુંબઈ જવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પાસે ખાસ વિમાનની સુવિધા હોવા છતાં તેઓએ રેલવે ટ્રેન દ્વારા મુંબઈ જવાનું પસંદ કર્યું હતું અને તા.૧૪ સપ્ટેમ્બરના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોતાના પત્ની દર્શનાદેવી સાથે અમદાવાદથી મુંબઇ જતી તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને જ મુંબઈ ગયા હતા.
આ અમદાવાદથી મુંબઇ સુધીની મુસાફરી દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સાથી મુસાફરો સાથે ભારતીય સંસ્કૃતિ, પ્રાકૃત્તિક ખેતી, સુવિધાયુક્ત રેલવે સફર, વ્યક્તિત્વ વિકાસ પર વિચારોની આપ-લે પણ કરી હતી.છેલ્લા અઢી દસકામાં સત્તા પર હોય એવાં કોઈ રાજ્યપાલે ટ્રેનની મુસાફરી કરી હોય એવું ધ્યાન પર આવ્યું નથી એ જોતાં આચાર્ય દેવવ્રતે ચીલો ચાતર્યો છે એવું કહી શકાય.