ઉચ્ચ શિક્ષિત હોવા છતાં નોકરી ન મળતાં મહિલાએ જીવન ટૂંકાવ્યું

એમએસસી-બીએડ કરેલી મહિલાએ પતિને અંતિમ મેસેજ કરીને જીવન ટૂંકાવ્યું
(એજન્સી)મહેસાણા, હાલના સમયમાં યુવાનો જાતમહેનત કરીને એક સારી જિંદગી જીવવા માટે કામ-ધંધા અને નોકરીની શોધમાં અહીં તહીં ફટક્્યા કરે છે. પરંતુ ઘણો બધો ઉચ્ચ અભ્યાસ કર્યો હોવા છતાં અનેક પ્રયત્નો બાદ અમુક યુવાનોને નોકરી નથી મળતી, ત્યારે તેઓ હતાશ થઈને ના કરવાનું કરી બેસે છે.
આવો જ આપણે એક વિચારવા મજબૂર કરતો કિસ્સો હાલ મહેસાણાના વિજાપુરમાંથી સામે આવ્યો છે, જ્યાં આયોધ્યાનગર સોસાયટીમાં રહેતી ૩૨ વર્ષીય પરિણીત મહિલાએ એમએસસી-બીએડ સુધીનો અભ્યાસ કર્યો હોવા છતાં નોકરી ન મળતા તેમણે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. જે બાબતે હાલ વિજાપુર પોલીસે આપઘાતની ઘટનાની તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિજાપુરના આયોધ્યાનગર સોસાયટીમાં રહેતી રીંકુબેન પટેલ (ઉં.વ. ૩૨)એ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. આ પગલું ભરતા પહેલા રીંકુબેનએ તેમના પતિ રવિભાઈને વોટ્સએપ પર મારા નસીબ નથી જેવો હતાશાજનક મેસેજ મોકલ્યો હતો. મેસેજ મળતા જ પતિ દોડતા દોડતા ઘરે પહોંચ્યાં, ત્યારે રીંકુબેનનો લટકતી હાલમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ દુઃખદ ઘટનાની જાણ થતા તુરંત જ પડોશીઓ અને પરિવારજનોને ભેગા થઈ ગયા હતા અને રિંકુબેનના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
રીંકુબેનના પરિવારજનો અનુસાર, તે એમએસસી અને બીએડની ઉચ્ચ શિક્ષિત હતી અને તે લગ્ન પછી ઘરની આર્થિક સ્થિતિ સુધારવા માટે નોકરી કરવા માંગતી હતી. આ માટે તે નોકરી મેળવવા માટે અનેક પ્રયાસો કરતી હતી. દરમિયાન તાજેતરમાં આંગણવાડી કાર્યકરની પસંદગી માટે આપેલી તેણીએ સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી. જેમાં તે નાપાસ થવાથી ગહન હતાશા અનુભવતી હતી.
એમએસસી-બીએડની ઉચ્ચ શિક્ષિત હોવા છતાં તેને નોકરી ન મળી જેથી તેણે આ આત્મઘાતી પગલું ભર્યું હોઈ શકે છે. ઊંચી ઊંચી ડિગ્રીઓ મેળવ્યા છતાં અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે દિન-રાત તનતોડ મહેનત કર્યા છતાં યુવાનોને નોકરી નથી મળતી, ત્યારે આ સમસ્યા નોકરી વાચ્છુકો માટે ચિંતાનો વિષય બની છે.
હાલ વિજાપુરની આ ઘટનાથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે અને સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી છે. બીજી તરફ આ બાબતે વિજાપુર પોલીસે આપઘાતનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. જે માટે મૃતકના મૃતદેહને પીએમ રિપોર્ટ માટે મોકલી પરિવારજનોના નિવેદનો લેવાની કાર્યવાહી પોલીસે શરુ કરી છે.