ભારતથી USA જતી ફલાઇટની ટિકીટોના ભાવ રાતોરાત વધ્યા અને આજે ઘટી પણ ગયા

પ્રતિકાત્મક
શનિવારે ભારતથી અમેરિકા જતી તમામ નવ નોનસ્ટોપ ઉડાનો જેમાં એર ઇન્ડિયા ની સાત અને યુનાઇટેડ અને અમેરિકન એરલાઇન્સની એક-એક ફલાઇટ છે, લગભગ સંપૂર્ણપણે બુક થઈ ગઈ હતી.
નવી દિલ્હી, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવા કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરીને H-1B વિઝાના નિયમો બદલી દીધા. હવે H1B વિઝા માટે ડોલર૧૦૦,૦૦૦ ફી ચૂકવવી પડશે.
આ અચાનક થયેલા જાહેરાત પછી ભારતમાં હાજર H-1B વિઝા ધારકોમાં હડકંપ મચી ગયો અને તેઓ જલ્દીથી જલ્દી અમેરિકા પાછા જવા માટે ફલાઇટ ટિકિટ બુક કરાવવા લાગ્યા. ટિકિટોની અચાનક વધેલી માંગને કારણે હવાઈ ભાડું પણ આસમાને પહોંચી ગયું. સામાન્ય દિવસોમાં 40 હજાર થી 80 હજાર રૂપિયામાં મળતી ઇકોનોમી ક્લાસ ટિકિટનો ભાવ વધીને ૨.૮ લાખ સુધી પહોંચી ગયો. જો કે સોમવારે આ ભાવ 35 હજારથી 45 હજાર સુધીના થઈ ગયા હતા.
ટ્રાવેલ એજન્ટ્સનું કહેવું છે કે એર ઇન્ડિયા, યુનાઇટેડ અને અમેરિકન એરલાઇન્સની તમામ નોનસ્ટોપ ફલાઇટ્સ લગભગ સંપૂર્ણપણે ભરાઈ ગઈ છે. છેલ્લી ઘડીએ બુકિંગ્સને કારણે એર ટિકિટની કિંમત વધુ વધી ગઈ. હકીકતમાં, આ અફરાતફરી એ કારણે મચી કારણ કે Amazon અને Microsoft જેવી મોટી ટેક કંપનીઓએ તેમના H-1B અને H-4 વિઝા ધરાવતા કર્મચારીઓને સલાહ આપી કે જે ભારતમાં છે તેઓ જલ્દીથી જલ્દી અમેરિકા પાછા જાય અને જે અમેરિકા માં છે તેઓ હાલ ત્યાં જ રહે.
જોકે, બાદમાં આ સ્પષ્ટ થયું કે H-1B વિઝાની વધેલી ફી નવા ભરતી થઈને અમેરિકા આવનારા કર્મચારીઓ પર લાગુ થશે નહિં કે જૂના કર્મચારીઓ પર. પરંતુ, આ સ્પષ્ટતા આવતી પહેલા જ ઘણી મોડું થઈ ગયું હતું. શનિવાર બપોર સુધી દિલ્હીથી ન્યૂયોર્ક જતી ફલાઇટની ઇકોનોમી ક્લાસ ટિકિટ રૂા.૧.૦૫ લાખમાં વેચાઈ રહી હતી. સાંજ સુધી સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ અને માત્ર અમેરિકન એરલાઇન્સની એક જ ફલાઇટ બચી હતી, જેમાં સીટો મળવી મુશ્કેલ થઈ ગઈ.
દિલ્હી અને બેંગલુરુમાં ટિકિટ કાઉન્ટરો પર લાંબી લાઇનો લાગી ગઈ. મુસાફરોનું કહેવું છે કે અચાનક નિયમ બદલવાના કારણે તેઓ મજબૂરીમાં એટલી મોંઘી ટિકિટ ખરીદી રહ્યા છે.
ઘણા લોકોને બે-બે લાખથી વધુ ચૂકવવા પડી રહ્યા છે, તેમ છતાં તેમને આ વિશ્વાસ નથી કે તેઓ સમયસર અમેરિકા પહોંચી શકશે કે નહીં. ટોચની ટ્રાવેલ એજન્સીઓએ જણાવ્યું કે શનિવાર અને રવિવાર સવાર સુધી ભારતથી અમેરિકા જતી તમામ નવ નોનસ્ટોપ ઉડાનો જેમાં એર ઇન્ડિયા ની સાત અને યુનાઇટેડ અને અમેરિકન એરલાઇન્સની એક-એક ફલાઇટ છે, લગભગ સંપૂર્ણપણે બુક થઈ ગઈ હતી.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની એક રિપોર્ટ અનુસાર, બેંગલુરુ એરપોર્ટ પર ટિકિટ કાઉન્ટરો પર લાંબી લાઇનો લાગી. અમેરિકામાં નોકરી કરતા એક સોફટવેર એન્જિનિયરે જણાવ્યું કે તેમણે સતત ૬ કલાક સુધી એરલાઇન્સ અને એજન્ટ્સને ટિકિટ માટે ફોન કર્યો. ૭૦ હજાર રૂપિયામાં મળતી ઇકોનોમી ક્લાસની ટિકિટ હવે રૂા. ૨.૭ લાખમાં મળી રહી છે.
ભારતની સૌથી મોટી ઓનલાઇન ટ્રાવેલ એજન્સી MakeMyTrip ના પ્રવક્તાએ કહ્યું, શનિવાર સવારથી અમેરિકા માટે છેલ્લી ઘડીએ ટિકિટ બુકિંગમાં અસામાન્ય વધારો જોવા મળ્યો છે. લાંબી અંતરની ફલાઇટ્સ માટે તે જ દિવસે અથવા બીજા દિવસે બુકિંગ કરવું સામાન્ય રીતે નથી થતું, પરંતુ આ વખતે સંખ્યા ઘણી વધારે છે.