Western Times News

Gujarati News

લોથલથી અમદાવાદ સુધીના બિસ્માર રોડ PMના કાફલાને નડ્‌યાઃ અનેક જગ્યાએ ધીમા પડ્‌યા

(એજન્સી)અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન રોડની બિસ્માર હાલત ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. હવામાનની પ્રતિકૂળતાને કારણે વડાપ્રધાન હેલિકોપ્ટરમાં ઉડાન ભરી શક્યા ન હતા,

જેના કારણે તેમને લોથલથી અમદાવાદ સુધીનો પ્રવાસ રોડ માર્ગે કરવો પડ્‌યો. આ દરમિયાન, ખરાબ રસ્તાઓ અને અસંખ્ય ખાડાઓને કારણે PM કાફલાની ગતિ ધીમી પડી હતી, જેનાથી ગુજરાતના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પોલ ખૂલી ગઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે(૨૦ સપ્ટેમ્બર) નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટનું નિરીક્ષણ અને સમીક્ષા કરવા માટે ભાવનગરથી બાય-એર લોથલ આવ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ, ખરાબ હવામાનને કારણે તેમનું હેલિકોપ્ટર લગભગ પોણો કલાક સુધી ઉડાન ભરી શક્યું નહોતું. આથી, સમયનો બચાવ કરવા અને આગળના કાર્યક્રમોમાં હાજરી આપવા માટે, વડાપ્રધાન સહિતનો કાફલો રોડ માર્ગે ગાંધીનગર જવા રવાના થયો હતો.

લોથલથી વાયા બગોદરા થઈને ગાંધીનગર જતા રસ્તા પર ઠેર ઠેર અસંખ્ય ખાડાઓ અને ખરાબ સપાટી જોવા મળી હતી. જે રસ્તાઓ પર સામાન્ય નાગરિકો રોજબરોજ હેરાન થાય છે, તે જ રસ્તાઓ પરથી વડાપ્રધાન, મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને ગૃહ મંત્રી સહિતના આગેવાનોનો કાફલો પસાર થયો.

અસંખ્ય ખાડાઓને કારણે કાફલાની સ્પીડ પર બ્રેક લાગી હતી. બાવળા પાસે પણ સખત ટ્રાફિક જામ જોવા મળ્યો હતો, જેના કારણે મોટા વાહનોને બાવળાથી સાણંદ તરફ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.

સરદાર પટેલ રિંગ રોડ જેવા મહત્ત્વના માર્ગ પર પણ ઠેર ઠેર પાણી ભરાયેલા અને ખાડાઓ જોવા મળ્યા, જેના કારણે કાફલાને ધીમી ગતિએ પસાર થવું પડ્‌યું. આ ઘટનાએ વિકાસના દાવાઓ વચ્ચે પણ રાજ્યના મુખ્ય માર્ગોની હાલત હજુ પણ ચિંતાજનક છે તેની સચ્ચાઈ ઉજાગર કરી છે. અને ગુજરાતના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સવાલો ઉઠી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.