Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને 10 વર્ષમાં ૧૧,૮૦૬ વૃક્ષો જડમુળથી કાપી નાખ્યાઃ રી-પ્લાન્ટના નામે શૂન્ય

પ્રતિકાત્મક

રી પ્લાન્ટેશનનું મશીન AMCને આપવામાં આવ્યું છે પરંતુ એ મશીન કે જે ગ્યાસપુર નર્સરી ખાતે છેલ્લા ત્રણ વર્ષથી બંધ હાલતમાં છે

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ શહેરમાં દિવસ અને દિવસે ગરમીનું તાપમાન વધી રહ્યું છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ અને શાસક પક્ષ શહેરમાં વધતું તાપમાન ઓછું કરવા અને શહેરીજનોને વધતા તાપમાનથી રાહત આપવા માટેની નક્કર કામગીરી એ માત્ર કાગળ ઉપર જોવાઈ રહી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વરસે લાખોની સંખ્યામાં નવા વૃક્ષ લગાવવામાં આવે છે પરંતુ વર્ષો જુના વૃક્ષોને પ્રોજેક્ટ અંતર્ગત કાપવામાં આવ્યા બાદ તેને રી-પ્લાન્ટ કરવામાં આવતા ન હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્‌વારા વર્ષ ૨૦૧૫ થી વર્ષ ૨૦૨૫ સુધીમાં કુલ ૧૧,૮૦૬ વૃક્ષો જળમૂળથી કાપવામાં આવેલ છે. અને તેની સામે મધ્ય ઝોન, પૂર્વજોન, ઉત્તર પશ્ચિમ ઝોન, પશ્ચિમ ઝોન અને દક્ષિણ ઝોનમાં એક પણ વૃક્ષનું રિ પ્લાન્ટેશન એટલે કે એક જગ્યાએથી વૃક્ષને ઉપાડી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી ફરીથી વાવેતર કરવાની પદ્ધતિ મુજબ ૪ ઝોનમાં એક પણ વૃક્ષ રિપ્લાન્ટેશન કરવામાં આવેલ નથી

જ્યારે ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોનમાં માત્ર ગણતરીની સંખ્યાએ ૧૮૦ જેટલા વૃક્ષોનું રિપ્લાન્ટેશન કરવામાં આવેલ છે તેમજ ઉત્તર ઝોનમાં ૧૪૬૫ વૃક્ષો અદાણી એરપોર્ટના પ્રીમાઈસીસમાં અદાણી પ્રાઇવેટ એરપોર્ટને આપી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પોતાના સ્વખર્ચે રિપ્લાન્ટેશન કરેલ છે.

હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો ગાર્ડન વિભાગના અધિકારીઓ અને શાસક પક્ષના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા અન્ય કમીટી ચેરમેન દ્વારા અમદાવાદ શહેરમાં વિવિધ પ્રકારના ગાર્ડનો ,ગ્રીન અમદાવાદ ,

ઓક્સિજન પાર્ક અને વિવિધ નવી પદ્ધતિથી લાખો વૃક્ષો નું વાવેતર કરવાની જાહેરાતો કરવામાં આવે છે પરંતુ સત્ય હકીકત એ છે કે ગ્રીન અમદાવાદ નહીં પરંતુ કોન્ક્રીટ અમદાવાદ બનતું હાલમાં નજર આવી રહ્યું છે

ગુજરાત કોંગ્રેસ લઘુમતી સેલના કાર્યકારી પ્રમુખ અતિક સૈયદે ઉપરોક્ત માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ શહેરને ગ્રીન બનાવવા માટે રી પ્લાન્ટેશનનું રિ-, ટ્રાન્સ પ્લાન્ટર મશીન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવ્યું છે પરંતુ સ્થળ તપાસ કરતા એ મશીન કે જે ગ્યાસપુર નર્સરી ખાતે છેલ્લા ત્રણ વર્ષથી બંધ હાલતમાં પડેલ છે. કયા કારણોસર આ મશીન કે જે બંધ હાલતમાં છે તેની કામગીરી કેમ કરવામાં આવતી નથી ?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર મ્યુનિસિપલ કમિશનર સમક્ષ તેમણ માંગણી કરી છે કે તાત્કાલિક ધોરણે ટ્રી ટ્રાન્સપ્લાન્ટર મશીન બંધ હાલતમાં છે તેની વીજલન્સ તપાસ કરવામાં આવે તેમ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષોને કાપવા ને બદલે એ વૃક્ષોને અન્ય સ્થળે રી પ્લાન્ટેશન કરવા માટેની એસ ઓ પી બહાર પાડવામાં આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.