ફ્રાન્સ પછી કેનેડા, બ્રિટન અને ઓસી.એ અલગ પેલેસ્ટેનિયન દેશને માન્યતા આપી

ટોરોન્ટો, અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા વિરોધ છતાં કેટલાક પશ્ચિમી દેશોએ રવિવારે અલગ પેલેસ્ટેનિયન રાજ્યને માન્યાતા આપી છે. ફ્રાન્સ પછી યુકે, ઓસ્ટ્રેલિયા અને કેનેડાએ ઔપચારિક રીતે પેલેસ્ટાઇનને અલગ દેશ તરીકે માન્યતા આપી હોવાનું જણાવ્યું હતું. ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે શાંતિ સ્થાપવાના પ્રયાસો નિષ્ફળ જતા અલગ પેલેસ્ટેનિયન દેશની માગ વધુ પ્રબળ બની હતી.
ઈઝરાયેલ દ્વારા ગાઝા પર સતત હુમલા ચાલુ રખાયા છે અને તેની વૈશ્વિક સ્તરે નિંદા પણ થઈ રહી છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર વિરુદ્ધ તેમના જ પક્ષ લેબર પાર્ટીનું ઈઝરાયેલ સામે આકરા પગલાં લેવા દબાણ વધી રહ્યું છે.
સ્ટાર્મરે જણાવ્યું કે, આ પગલું પેલેસ્ટેનિયન અને ઈઝરાયેલી લોકો વચ્ચે શાંતિના હેતુથી લેવાયું છે, જો કે હમાસે આમાં હરખાવા જેવું કંઈ જ નથી. કેનેડાએ પણ રવિવારે સાંજે પેલેસ્ટાઇનને અલગ દેશ તરીકે માન્યતા આપી હતી.
વડાપ્રધાન માર્ક કાર્નીએ એક્સ પોસ્ટમાં જણાવ્યું કે, કેનેડા પેલેસ્ટેનિયન રાજ્યને માન્યતા આપે છે. બ્રિટન અને ઓસ્ટ્રેલિયા પણ આ માટે સહમત છે.
પશ્ચિમી દેશો દ્વારા ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ અંગે નિરાશા વ્યક્ત કરાઈ રહી છે ત્યારે કાર્નીએ જણાવ્યું કે જુલાઈમાં જ તેઓએ આ માગણીનો ઉલ્લેખ કર્યાે હતો.
મહત્વની બાબત એ છે કે આગામી સપ્તાહે યોજાનારી સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા (યુએન જનરલ એસેમ્બલી) અગાઉ આ જાહેરાત કરવામાં આવી છે જે સુચક છે.
યુકે, ઓસ્ટ્રેલિયા અને કેનેડા દ્વારા આ ઔપાચરિક નિર્ણયથી ઈઝરાયેલ અને અમેરિકા રોષે ભરાયા છે. તેમના મતે પશ્ચિમી દેશોના આ નિર્ણયથી હમાસના આતંકવાદીઓને પ્રોત્સાહન મળશે.
યુએન મહાસભામાં યુએસ સાથે પશ્ચિમી દેશો વચ્ચે તનાવ વધવાની સંભાવના છે. કેનેડાને ચીમકી આપતા અગાઉ યુએસ પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે, જો પેલેસ્ટાઇનને અલગ દેશ તરીકે તે માન્યતા આપશે તો તેને અમેરિકા સાથે વેપાર કરાર કરવામાં મુશ્કેલી પડી શકે છે. ફ્રાન્સમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ વચ્ચે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંએ સૌપ્રથમ અલગ પેલેસ્ટેનિયન દેશની માગને વાચા આપી હતી.SS1MS